Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગમાં યોજાશે ૩૧૧ હનુમાન મંદિરોના નિર્માણયજ્ઞનો પાંચમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

  • March 18, 2023 

ભગવાન શ્રી રામ ભ્રાતા શ્રી લક્ષ્મણ અને શબરી માતાની ચરણરજ થી પાવન થયેલી દંડકારણયની ભૂમિ ઉપર આરંભાયેલી 'ડાંગ-પ્રયાગ હનુમાન યાગ' નામક હનુમંત યજ્ઞના ભાગરૂપે, તા. ૧૯મી માર્ચ ને રવિવારે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના કુમારબંધ ગામે ૧૧ હનુમાન મંદિરોનો પાંચમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત કરાયો છે.

       

શ્રી રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નિમ્બાર્ક તીર્થ-કિશનગઢ, અજમેરના જગદગુરુ નિમ્બાર્કાચાર્ય શ્રી શ્યામ શરણ દેવાચાર્યશ્રી (શ્રીજી મહારાજ) ના હસ્તે ૧૧ મંદિરોનું લોકાર્પણ કરાશે. આ વેળા દાતા પરિવારો દીપ પ્રાગટય કરશે.

કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. જ્યારે ઉદ્દઘાટક તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, અને ડાંગ કલેક્ટરશ્રી ડો.વિપીન ગર્ગ હાજરી આપશે.

       

મુખ્ય મહેમાન તરીકે મહેશ્વરી ભવન- સમિતિના સચિવ શ્રી સુરેશ તોષનીવાલ, અગ્રવાલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંસ્થાપક ટ્રસ્ટી શ્રી સુરેશચંદ્ર અગ્રવાલ, વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી શકુંતલા પવાર, ગુજરાત પ્રાંતિય મહેશ્વરી સમિતિના ઉપાધ્યાક્ષ શ્રી સુરેશ કાબરા, નિમ્બાર્ક'તીર્થના શ્રી નટવર છાપરવાલ પણ ઉપસ્થિત રહેશે.ડાંગના પ્રયોશા પ્રતિષ્ઠાનના શ્રી પી.પી.સ્વામીજીની પ્રેરણા અને શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન સુરતના શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના સંકલ્પને સાકારરૂપ આપતો આ કાર્યક્રમ ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં નવી ચેતના જગાવશે.

       

આ હનુમાનજી મંદિર ભકિત, સેવા, અને સ્મરણ સાથે ગામની એક્તા, વ્યસનમુકિત, અને સંસ્કારધામનું ત્રિવેણી તીર્થ બની રહેશે તેવો મનોભાવ વ્યક્ત કરાયો છે.ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લાના તમામે તમામ ૩૧૧ ગામોમાં હનુમાન મંદિરોના નિર્માણ યજ્ઞના આ પાંચમા તબક્કામાં ૧૧ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ કરાશે. આ અગાઉના ચાર કાર્યક્રમમાં ૩૫ મંદિરો પ્રજાર્પણ કરી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય ૧૧ મંદિરો, અને આગામી ટુંક સમયમાં જ છઠ્ઠા તબક્કામાં બીજા ૧૨ મંદિરોના લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે સાતમા તબક્કાના મંદિરોનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

       

સને ૨૦૧૮ થી શરૂ કરાયેલા આ યજ્ઞ કાર્યમાં આ અગાઉનો કાર્યક્રમોમાં પ.મોરારી બાપુ, પૂ.શ્રી દેવપ્રસાદજી મહારાજ, પૂ.શ્રી રમેશભાઈ ઓઝા(ભાઈશ્રી), પૂ.શ્રી ગોવિંદ દેવગિરિ મહારાજ સહિતના સંત શિરોમણી, મહાત્માઓ અંગે અત્રે પધારી ચૂક્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application