નાગરિક ઉડ્ડયન મંત્રાલયોની વિનંતીનાં પગલે ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને આદેશ આપ્યો છે કે, એરપોર્ટ અને તેની આસપાસનાં વિસ્તારોમાં તે 5-G મોબાઇલ ટાવર નહીં લગાવી શકે. ઉડ્ડયન મંત્રાલયે પૂરી પાડેલી બફર અને સેફ્ટી ઝોનની વિગતોના આધારે આ નિર્ણય લેવાયો છે. આથી ભારતીય એરપોર્ટનાં રનવેના બંને છેડાના થઈને 2.1 કિ.મી. વિસ્તાર અને રનવેના સેન્ટર લાઇનથી 910 મીટરનાં વિસ્તારમાં 3.3 ગીગાહર્ટ્ઝથી 3.6 ગીગાહર્ટ્ઝનાં બેન્ડવાળા 5-G બેઝ સ્ટેશનો નહી સ્થાપી શકાય.
આ નિર્ણયનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવશે. આથી જો ટેલિકોમ ઓપરેટરોએ આટલા વિસ્તારોમાં જો તેમના 5-G બેઝ સ્ટેશનો સ્થાપ્યા હશે તો તેને બંધ કરવા પડશે. જોકે ટેલિકોમ વિભાગ તેને કામચલાઉ પ્રતિબંધ ગણાવે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) બધા વિમાનોનાં ઓલ્ટીમીટર રિપ્લેસ થાય તે સુનિશ્ચિત કરી લેશે તેના પછી આ પ્રતિબંધ દૂર થઈ જશે. જોકે ઓલ્ટીમીટર રિપ્લેસ કરવાની કવાયત કેટલા સમયગાળામાં પૂરી કરવામાં આવશે તેની કોઈ ડેડલાઇન ડીજીસીએએ આપી નથી.
એરટેલ એકમાત્ર એવી ઓપરેટર છે જેણે પસંદગીનાં એરપોર્ટ જેવા કે પટણા, બેંગ્લુરુ, પુણે, વારાણસી અને નાગપુર ખાતે તેની 5-G સર્વિસ ગોઠવી છે. ટેલિકોમ વિભાગની નોટિસમાં જણાવાયું છે કે, ટેલિકોમ ઓપરેટરો ઓલ્ટીમીટરમાં ખલેલ પહોંચાડતા 5-G સિગ્નલ્સને ટાળવા માટે 5-G બેઝ સ્ટેશનને બંધ કરે. આ સાધનની મદદથી પાયલોટને વિમાનને ઇચ્છિત ઊંચાઈએ જાળવી રાખવામાં મદદ મળે છે.
ટેલિકોમ વિભાગે તેની નોટિસમાં જણાવ્યું હતું કે, ડીજીસીએ નિશ્ચિત સમયમર્યાદામાં ઓલ્ટીમીટર રિપ્લેસમેન્ટ કરવાની કામગીરી પૂરી કરી શકે છે. ટેલિકોમ વિભાગે પણ રેડિયો ઓલ્ટિમીટર અને તેના ફિલ્ટર કઈ તારીખ સુધીમાં ફિટ કરાશે તે જણાવવા વિનંતી કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500