લોકસભામાં રજૂ થયેલા આંકડાનો સંદર્ભ આપી ગુજરાત કોંગ્રેસે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયા એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની કથળતી શિક્ષણ વ્યવસ્થાનો ચિતાર લોકસભા માં ૨૪/૭/૨૦૨૩ ના દિવસે મળેલ જવાબમાં પ્રદર્શિત થાય છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના આદેશ મુજબ દેશની દરેક યુનિવર્સિટી અને કોલેજોએ નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC)ની માન્યતા ફરજીયાત હોવા છતાં ગુજરાતની મોટાભાગની યુનિવર્સિટી અને કોલેજો એ માન્યતા લીધેલી નથી. ગુજરાત રાજ્યની ૬૬% વધુ યુનિવર્સિટીએ NAAC ની માન્યતા લીધેલ નથી, જેમાં રાજ્યની ૫૫ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યની ૭૮% કોલેજોએ NAAC ની માન્યતા લીધેલી નથી. ગુજરાત રાજ્યની ૨૨૬૭ કોલેજો પૈકી ૧૭૬૭ કોલેજોએ NAAC ની માન્યતા લીધેલી નથી.
NAACના મૂલ્યાંકનમાં સાત જેટલા મુખ્ય સુચકોનો સમાવેશ થાય છે. યુનિવર્સિટી અને કોલેજો માં માળખાકીય સુવિધાઓ, અભ્યાસક્રમ, શિક્ષણ અને ભણતરનું મૂલ્યાંકન, રિસર્ચ અને ઇનોવેશન, વિદ્યાર્થીઓના સપોર્ટની વ્યવસ્થા, મેનેજમેન્ટ, સંસ્થાના મૂલ્યોના આધારે ૧૦૦૦ ગુણમાંથી મૂલ્યાંકન થાય છે. આ મૂલ્યાંકનમાં અભ્યાસક્રમની ડિઝાઈન, પૂરતા અને ગુણવત્તાવાળા અઘ્યાપકો, વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ, રિસર્ચને પ્રાધાન્ય, લાઇબ્રેરી અને વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવે છે.
આ મૂલ્યાંકન બાદ યુનિવર્સિટી અને કોલેજોને A, B, C અને D કેટેગરીમાં મૂકવામાં આવે છે.કઠવડિયાએ એવો દાવો પણ કર્યો હતો કે કેટલીક કોલેજો અને યુનિવર્સિટીની NAAC મૂલ્યાંકનની સાયકલ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેઓ મૂલ્યાંકન મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા નથી. આ સાથે કૉંગ્રેસે માગણી કરી હતી કે ગુજરાત સરકાર જો સાચા અર્થમાં શિક્ષણના સુધારની દિશામાં વિચારતા હોય તો તાત્કાલિક દરેક યુનિવર્સિટી અને કોલેજોએ NAACનું ફરિજયાત મૂલ્યાંકન કરાવવું જોઈએ. NAAC મૂલ્યાંકન ફરિજયાત કરવાની માગણી કરવામાં આવી હતી. જો શૈક્ષણિક સંસ્થાઓ મૂલ્યાંકન ન કરાવડાવે તો માન્યતા રદ્દ થાય ત્યાં સુધી ની કાર્યવાહી કરવી જોઈએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500