પુણેનાં નવલે બ્રિજ પાસે બનેલી એક વિચિત્ર દુર્ઘટનામાં ભૂમકર પુલથી નીચે ઉતરી રહેલા એક ટ્રેલરે 47 વાહનોને અડફેટમાં લીધા હતા. આ ઘટનામાં 50થી 60 જણા ઈજા પામ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ દુર્ઘટના સાતારા-મુંબઈ હાઈવે પર નરહે સ્મશાનભૂમિ નજીક રાત્રે 8.30 વાગ્યે બની હતી. આ ઘટનાને લીધે ખળભળાટ મચી ગયો હતો. આ સંદર્ભે વધુ વિગતાનુસાર નવી કાત્રજ ટનલ પાસેથી શરૂ થતા તીવ્ર ઢોળાવ પર છેલ્લા થોડા સમયમાં ઘણા અકસ્માત બન્યા છે. આ સ્પોટ ડેન્જર બની જીવલેણ પૂરવાર થઈ રહ્યું છે.
જયારે આંધ્રપ્રદેશથી મુંબઈ તરફ જઈ રહેલ એક ટ્રેલર પરનું નિયંત્રણ ડ્રાઈવરે ગુમાવતા આ ટ્રેલર બેકાબુ બની ઢોળાવ પરથી તેજ ગતિએ નીચે ધસી ગયું હતું. આ ઘટનામાં 400થી 500 મીટરના અંતરમાં પસાર થઈ રહેલ 47 જેટલા વાહનોને અડફેટમાં લીધા હતા. આ ઘટનામાં અમુક કાર ઉંધી વળી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ, ફાયર બ્રિગેડ, પીએમઆરડીએ, ફાયર બ્રિગેડ, રેસ્કયુ વાહનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બચાવ તેમજ રાહત કાર્ય હાથ ધર્યું હતું. આ ઉપરાંત સ્થાનિકો પણ મદદ માટે દોડી ગયા હતા અને જખ્મીઓને તેમના વાહનમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાને લીધે બંને તરફનો વાહન વહેવાર ઠપ્પ થઈ ગયો હતો. જોકે મોડી રાત સુધી બચાવ- રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500