મહારાષ્ટ્ર હોમ ગાર્ડ્ઝનાં 50 હજાર જવાનોને વીમાનું સુરક્ષા કવચ મળશે. હોમ ગાર્ડ્ઝનાં જવાનનું મૃત્યુ થાય તો 50 લાખ રૂપિયા અને ગંભીર ઇજાની ઘટનામાં 20 લાખ રૂપિયાનાં વીમાનો લાભ મળશે. વળી, હોસ્પિટલમાં સારવાર માટે બે સપ્તાહ સુધી દરરોજ 1 હજાર રૂપિયા આપવામાં આવશે. હોમ ગાર્ડ્ઝનાં જવાનો અને અધિકારીઓ રેલવે, ટ્રાફિક, તહેવારોની ઉજવણી વગેરેમાં સેવા આપે છે.
સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે, હોમ ગાર્ડ્ઝનાં તમામ જવાનોનાં બેન્ક એકાઉન્ટ્સ એક જાણીતી ખાનગી બેન્કમાં ખોલવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયનાં આધારે અમે બધા જવાનોને વીમાનો લાભ આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. હોમ ગાર્ડ્ઝનાં એક અધિકારીએ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે, હોમ ગાર્ડ્ઝ આમ તો સ્વૈચ્છિક દળ હોવાથી ઘણા જવાનો અને અધિકારીઓ નોકરી છોડી દેતા હોય છે.
અગાઉ હોમ ગાર્ડ્ઝના તમામ જવાનોનો પગાર સીધો તેમના બેન્ક એકાઉન્ટમાં જમા થતો હતો. જોકે બધા જવાનોનાં ખાતાં એક જ બેન્કમાં નહીં હોવાથી તેઓને બેન્ક દ્વારા કોઇ મહત્વના લાભ મળવાની શક્યતા નહોતી. હા, કોઇ ખાનગી કંપનીનાં કે સંસ્થાનાં તમામ કર્મચારીઓનાં ખાતાં પોતાની બેન્કમાં હોય તો તે બેન્ક તે બધા જ ખાતાં ધારકોને વિવિધ પ્રકારના લાભ આપે છે.
આખા મહારાષ્ટ્રનાં તમામ પોલીસ કર્મચારીઓનાં સેલેરી એકાઉન્ટ્સ (જે ખાતામાં પગાર જમા થતો હોય તે ખાતું) પર આ જ બેન્કમાં છે. એટલે બધા પોલીસ કર્મચારીઓને તે બેન્ક દ્વારા વીમાના સુરક્ષા કવચનો લાભ મળે છે. મૃત્યુ, ઇજા અને અન્ય મુશ્કેલીમાં વીમાનો લાભ મળે છે. મહારાષ્ટ્ર હોમ ગાર્ડ્ઝના કમાન્ડન્ટ જનરલ બી.કે.ઉપાધ્યાયે એવી માહિતી આપી હતી કે, મને આખા રાજ્યમાંથી હોમ ગાર્ડ્ઝનાં અધિકારીઓએ વીમાની સુવિધા આપવા વિનંતી કરી હતી.
ત્યારબાદ અમે આ મુદ્દો મહારાષ્ટ્ર સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. સાથોસાથ એક ખાનગી બેન્ક સાથે ચર્ચા પણ શરૂ કરી હતી. હવે હોમ ગાર્ડ્ઝનાં તમામ જવાનોનાં અને અધિકારીઓનાં ખાતાં તે બેન્કમાં શરૂ થાય તો તે બેન્કે વીમાના સુરક્ષા કવચનો લાભ આપવા તૈયારી દર્શાવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500