તાપીમિત્ર ન્યુઝ, આહવા:રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ક્ષયરોગથી પીડાતા દર્દીઓને,તેના સચોટ અને ઝડપી નિદાન માટે સૂરત, નવસારી કે વલસાડ સુધી લાંબા ન થવુ પડે,અને તેમને ધરઆંગણે જ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે ચિંતિત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા, તાજેતરમાં આહવાની ટી.બી. હોસ્પિટલમાં અઘતન લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુરાવ ચૌર્યા સહિતના મહાનુભાવો, અને જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતા,જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ.પૌલ વસાવા, એમ.ઓ.ટી.સી. ડૉ.રીતેશ બ્રહ્મભટૃ, તથા ડૉ.ધનસુખ ગામીતની ઉપસ્થિતિમાં અંદાજીત રૂા.૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલી, આધુનિક સીબીનાટ લેબોરેટરીની સુવિધા પ્રજાર્પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધી ડાંગ જિલ્લામાં કલ્ચર અને ડી.એસ.ટી.પદ્ધતિથી ટી.બી.નું નિદાન થતું હતું. જેમાં સચોટ અને નિદાનાત્મક પરિણામ મેળવવા માટે ર થી ૪ માસનો સમય લાગતો હતો. જેને કારણે ઉપચારમાં વિલંબ થવા પામતો હતો.પરંતુ હવે સીબીનાટ લેબોરેટરીમાં પ્રસ્થાપિત જીન એક્સપર્ટ મશીન,ઓટોમેટેડ અને મોલેક્યુલર બેઝ્ડ હોવાથી, ફક્ત બે કલાકમાં જ પરિણામ હાંસલ કરી શકાશે.જેને કારણે દર્દીની સારવાર પણ ઝડપી હાથ ધરી શકાશે. ટી.બી.,સહિતના હઠિલા રોગોના અતિ ઝડપી પરિક્ષણ કરતા જીન એક્સપર્ટ મશીનની આગવી વિશેષતા છે.સ્પુટમ માઇક્રોસ્કોપથી ટી.બી.ના જે જીવાણું શોધી શકાતા ન હતા,તે પણ આ મશીન દ્વારા શોધી શકાય છે.
આ પ્રકારનો ટી.બી.ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં ખૂબ જ ખર્ચાળ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે ખૂબ જ સમસ્યા અને ચિંતાનો વિષય હતો.જેમાં ડાંગ જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓએ ખૂબ મોટી રાહત મળી રહેશે.આહવાના જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે નિઃશૂલ્ક ઉપલબ્ધ આ સુવિધા ગરીબ આદિવાસી વિસ્તારના પ્રજાજનો માટે આશીર્વાદરૂપ બની રહેશે, તેમ પંચાયત પ્રમુખ શ્રી બાબુરાવ ચૌર્યાએ વધુમાં આ વેળા જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500