Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેંકમાં હલકી ગુણવત્તાનાં સોનાના દાગીના મુકી ૫.૨૧ લાખની છેતરપિંડી કરાતા ફરિયાદ નોંધાઈ

  • September 02, 2024 

મોટી ટાંકી ચોકમાં આવેલ ફેડ બેંક ફાયનાન્સીયલ સર્વિસીઝ લીમીટેડમાં લોન ધારક હિતેન્દ્રસિંહ વિક્રમસિંહ રાણા (રહે.બ્લોક નં. ૧૫૬, રેલનગર)એ હલકી ગુણવત્તાના સોનાના દાગીના ધાબડી રૂપિયા ૫.૨૧ લાખની છેતરપિંડી કર્યાની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બેંકના મેનેજર વિજયભાઇ મહેશભાઈ વ્યાસ (ઉ.વ.૪૨, રહે. નાથદ્વારા પાર્ક, રેલનગર)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેની બેંક સોનાની સામે ધીરાણ આપે છે. તેની બેંકમાં ગત તારીખ ૧૭-૨-૨૦૨૪ના રોજ આરોપી લોન માટે આવ્યો હતો.


તે વખતે આરોપીએ સોનાના ચેન, સોનાની વીંટી, સોનાની બંગડી વગેરે ગિરવે મૂકી રૂપિયા ૫.૨૧ લાખની લોન લીધી હતી. મહિલા બેંક કર્મચારીઓએ દાગીનાની પ્રાથમિક તપાસ કરી દસ્તાવેજની કાર્યવાહી કરી આપી હતી. ગત તારીખ ૨૨-૩-૨૦૨૪ના રોજ બેંકના ત્રિમાસિક ઓડિટ દરમિયાન ગોલ્ડ લોન ઓડિટર દ્વારા આરોપીએ ગિરવે મૂકેલા બધા દાગીનાના કેરેટના ગુણવત્તાની તપાસ કરતાં આ દાગીના આશરે ૩૫ ટકા કરતાં નીચે હોવાનું માલુમ પડયું હતું. જેથી આરોપી સાથે વાતચીત કરી લોનની રકમ ભરી જલ્દી ખાતુ બંધ કરાવી દેવાનું કહેવાયું હતું.


આરોપીને અવારનવાર કહેવાયા છતાં લોનના હપ્તા ભર્યા ન હતા. જેથી આરોપીનો ખાતાકીય નંબર બેંક દ્વારા બંધ કરવામાં આવ્યો હતો. આરોપીએ લોનના હપ્તા કે મૂળ રકમ આજ સુધી ભરી નથી. બેંક દ્વારા કોઇ વેલ્યુઅર રાખવામાં આવ્યા નથી. એટલું જ નહીં ધીરાણ આપતી વખતે દાગીનાના બીલ કે કોઇ દસ્તાવેજ લીધા નથી. બેંકના ઉચ્ચ અધિકારીની સૂચનાથી આરોપી સામે આખરે પ્ર.નગર પોલીસ મથકમાં છેતરપિંડીની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application