નવેમ્બર મહિનો ઉતરાર્ધે પહોંચવાની સાથે ઠંડીનો ચમકારો શરૂ થયો છે. ત્યારે જિલ્લામાં રવિ પાકનું વાવેતર 25 ટકાને પાર થવાની સાથે ખેડૂતોનો ઉત્સાહ જોતા તંત્ર દ્વારા છેલ્લા ત્રણ વર્ષની સરેરાશની સમકક્ષ વાવેતરની ધારણા બાંધવામાં આવી છે. જિલ્લાનું વાવેતર 21,173 હેક્ટર પહોંચ્યું છે. તેમાં ઘઉંનું 5 હજાર હેક્ટર અને બટાટાનું વાવેતર 4,600 હેક્ટર ઉપરાંત વિસ્તારમાં થઇ ચૂક્યાના અહેવાલ મળ્યાં છે. ગાંધીનગર જિલ્લા ખેતીવાડી તંત્રનાં અધિકારી સુત્રોનાં જણાવવા પ્રમાણે, ઠંડીની શરૂઆતને રવિ પાકના વાવેતર માટે શુભ સંકેત સમાન ગણીને ખેડૂતો વાવણી કરવાના કામમાં જોતરાઇ ગયાં છે.
પરિણામે જિલ્લામાં સૌથી વધુ ગાંધીનગર તાલુકામાં કુલ વાવેતર 7,400 હેક્ટર પર પહોંચ્યું છે. જ્યારે માણસા તાલુકામાં 7 હજાર હેક્ટર આસપાસ વાવેતર થયું છે. બીજી બાજુ દહેગામ તાલુકામાં 5 હેક્ટરની વધુ વિસ્તારમાં વાવેતર થઇ ચૂક્યુ છે. દરમિયાન કલોલ તાલુકામાં શિયાળુ પાકનું સૌથી ઓછું વાવેતર 2200 હેક્ટર સુધી કરી દેવામાં આવ્યું છે. રોકડિયા પાક એવા ઘાસ ચારાનું વાવેતર જિલ્લામાં સોથી વધુ કરવામાં આવ્યું છે, જેનો આંકડો 6100 હેક્ટર ઉપરાંતનો છે. બીજા ક્રમે ઘઉંનું વાવેતર૫ હજાર હેક્ટરમાં, ત્રીજા ક્રેમે બટાટાનું વાવેતર 4,600 હેક્ટરમાં, ચોથા ક્રમે શાકભાજીનું વાવેતર 2,600થી વધુ હેક્ટર વિસ્તારમાં, પાંચમાં ક્રમે રાઇનું વાવેતર 1,300થી વધુ હેક્ટરમાં, છઠ્ઠા ક્રમે તમાકુનું વાવેતર 1 હજાર હેક્ટરમાં, સાતમા ક્રમે ચણાનું વાવેતર 450 હેક્ટરમાં અને છેલ્લે વરીયાળીનું વાવેતર 348 હેક્ટરમાં થયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500