Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવી અને માંગરોળ તાલુકાના કુલ ૮૯ ગામોના ૪૯,૫૦૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે

  • January 11, 2021 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ  સુરતના આદિજાતિ તાલુકાઓના ખેડૂતોને બારમાસી સિંચાઇ સગવડ આપતી ૫૭૦ કરોડ રૂપિયાની મહત્વકાંક્ષી યોજનાના લોકાર્પણ અવસરે સ્પષ્ટ પણે કહ્યું કે, જે વિકાસકામોનુ ખાતમુહુર્ત ભાજપાની સરકાર કરે છે, તેના લોકાર્પણ પણ આ જ સરકાર દ્વારા કરીને સમય બદ્ધ આયોજન અને કાર્ય પધ્ધતિ ઊભી કરવામા આવી છે.

 

 

કોંગ્રેસના શાસનમા યોજનાઓ અણઘડ આયોજનથી બનતી. ખાતમુહૂર્ત થાય પછી વર્ષો સુધી કામ જ શરૂ ના થાય અને યોજનાનું બજેટ હોય તેના કરતા અનેક ગણું વધી જાય તેમ તેમણે ભૂતકાળની તુલના કરતા જણાવ્યું હતું. પ્રજાકલ્યાણના કામો કરવાની તક વર્તમાન સરકારને મળી છે તે બદલ ઈશ્વરનો પણ તેમને આભાર વ્યકત કર્યો હતો.

 

 

ધોધમાર વરસાદ પડતો હોવા છતાં સુચારુ આયોજનના અભાવે  આ આદિજાતિ  વિસ્તારમા પાણીની  અછત લોકો ભોગવતા રહેલા તે માટે તેમણે કોંગ્રેસના શાસનને આડે હાથ લેતા કહ્યું કે ભૂતકાળ ના શાસન કરનારાઓએ  આ રાજ્યનુ ખુબ નુકશાન કર્યું છે.  વિકાસનો આધાર પાણી જ છે ત્યારે  આસમાની ખેતી ઉપર નિર્ભર રહેતા ખેડૂતોના કલ્યાણ માટે ક્યારેય ચિંતા નહિ કરનાર ભૂતકાળની સરકારોએ ખેડૂતોનુ અહિત કરવામા કઈ જ બાકી નથી રાખ્યુ તેમ મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યુ હતુ. 

 

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટી અને રાજ્ય તથા કેન્દ્ર સરકારની દૃઢ ઈચ્છાશક્તિને કારણે સૌના સાથ-સૌના વિકાસની નેમ સાથે કાર્ય કરી રહેલી  રાજ્ય  સરકારે આદિવાસી વિસ્તારની કાયાપલટ કરવાના લીધેલા પગલાઓનો ખ્યાલ આપી મુખ્યમંત્રીશ્રીએ ભૂતકાળની સરકારમા માંડ ૫૦૦/૭૦૦ કરોડનુ વાર્ષિક બજેટ તૈયાર કરાતુ, જયારે આજે હજારો કરોડના બજેટ આયોજન સાથે એક જ દિવસમા ૫૭૦ કરોડ રૂપિયાની યોજના સાકાર થઇ રહી છે તેમ જણાવ્યુ હતુ.

 

 

આદિવાસી પ્રજાજનો, ખેડૂતો માટે રાતદિવસ ચિંતા કરીને કાર્ય કરી રહેલી રાજ્ય સરકારે નાણાકીય સ્ત્રોત ઉપલબ્ધ કરીને પારદર્શક રીતે પ્રજાકલ્યાણના કામોમા તેનો સદુપયોગ થાય તેવા પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે રાજ્યમાંથી વચેટિયા પ્રથાને ધરમૂળથી નાબુદ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “ખાતો નથી, અને ખાવા પણ દેતો નથી” તથા કોન્ગ્રેસના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી રાજીવ ગાંધીનુ એ ઐતિહાસિક સ્ટેટમેન્ટ “દિલ્હીથી એક રૂપિયો મોકલાવામા આવે, અને પ્રજા સુધી માત્ર પંદર પૈસા જ પહોંચે” તે આ બંને સરકારની કાર્યપદ્ધતિનો ખ્યાલ આપે છે તેમ જણાવ્યુ હતુ.

 

 

ખેડૂત સુખી, તો ગામડુ સુખી અને ગામડુ સુખી તો રાજ્ય તથા દેશ સુખી એમ જણાવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નેવના પાણી મોભે ચઢાવતા અશક્ય એવી આ યોજનાને દ્રઢ ઈચ્છાશક્તિ અને ઈજનેરી કૌશલ્યના ઉત્તમ પરિણામ સ્વરૂપ સાકાર કરવામા આવી છે તેમ જણાવ્યુ હતુ.

 

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન અનુસાર ઘરે ઘર સુધી શૌચાલય, ગેસ અને વીજ જોડાણ, બેંક એકાઉન્ટ સહીત સને ૨૦૨૨ સુધી દેશના ઘરે ઘર સુધી “નળ સે જળ” મળે તે માટેનુ અભિયાન આદરવામા આવ્યુ છે તેમ જણાવી શ્રી વિજયભાઈ રૂપાણીએ “કોરોના” સંક્રમણ વચ્ચે પણ આપણે અવિરતપણે વિકાસકામો આગળ વધારીને અંદાજીત રૂ.૨૫ હજાર કરોડના વિકાસકામોના ખાતમુહુર્ત અને લોકાર્પનો કરીને વિકાસની ગતિને તેજ કરી છે તેમ જણાવ્યુ હતુ.

 

 

સૌર અને પવન ઉર્જા જેવા વૈશ્વિક પાર્ક, દરિયાના ખારા પાણીને મીઠા કરવાનુ અભિયાન, ભારતનો સૌથી ઉંચો રોપ વે, ભારતનુ સૌ પ્રથમ સી પ્લેન, કિસાન સૂર્યોદય યોજના સહીત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ, કેવડીયા-બરોડા રેલ લાઈન, કોરોના વેક્સીનેસન જેવા કાર્યોમા સૌને સહભાગી થવા સાથે સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

 

 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ડીજીટલ માધ્યમથી આ યોજનાનુ ઈ લોકાર્પણ કરી, માંડવી-માંગરોળ તાલુકાના પ્રજાજનો, ખેડૂતોની સમૃદ્ધિના નવા દ્વાર ખોલ્યા હતા.માંડવી અને માંગરોળ તાલુકાના ખેડૂતો માટે આજનો આ દિવસ ઐતિહાસિક સાબિત થશે તેમ જણાવી વન, આદિજાતિ, મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ કોંગ્રેસની આંધળી અને બહેરી સરકારને ક્યારેય આદિવાસી સમાજની જરૂરિયાતો દેખાય પણ ન હતી, અને સંભળાય પણ ન હતી, ત્યારે આદિવાસી ખેડૂતોની માંગણીને ધ્યાને નહિ લેનાર સરકારે મંજુર ન કરેલા કાર્યને રાજ્યની આ સરકારે સાકાર કરી છે તેમ જણાવ્યુ હતુ.

 

 

વડાપ્રધાનશ્રીના હસ્તે ખાતમુહુર્ત કરાયેલી આ યોજના આજે જયારે સાકાર થઇ રહી છે ત્યારે આ વિસ્તારના હજારો ખેડૂતો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનુ અભિવાદન કરવા થનગની રહ્યા છે તેમ જણાવતા શ્રી વસાવાએ ન ભૂતો, ન ભવિષ્યતિ જેવા આ ભગીરથ કાર્યમા પ્રબળ ઇચ્છાશક્તિને કારણે આજે સફળતા મળી છે તેમ જણાવ્યુ હતું. મંત્રીશ્રીએ સિંચાય સાથે પાણીના તળ પણ ઊંચા આવશે, સાથે પશુપાલન થકી ઘરઆંગણે રોજગારી ઉપલબ્ધ થશે તેમ જણાવી ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ સુધી બનાવવાની નેમ સાથે કાર્ય ઉપાડ્યુ છે તેમ જણાવ્યુ હતુ. ખેડૂતો સહીત પ્રજાહિતના અનેક કાર્યો રાજ્ય અને કેન્દ્ર સરકાર કરી રહી છે તેમ જણાવી મંત્રીશ્રીએ આ સરકાર ગરીબો અને વંચિતોની સરકાર છે તેમ જણાવ્યુ હતુ.

 

આદિવાસી વિસ્તારોના સર્વાંગીણ વિકાસ માટે રાજ્ય સરકારે એક લાખ કરોડથી વધુની રકમ ફાળવી હોવાનુ જણાવી મંત્રીશ્રીએ ૧૩ લાખ એકરથી પણ વધુ જમીનો વન અધિકાર ધારા હેઠળ આ સરકારે આપી છે તેમ જણાવ્યુ હતુ. પેસા એકટ નો અમલ, બીરસા મુંડા ટ્રાયબલ યુનીવર્સીટી, જાતી પ્રમાણપત્રોની ચકાસણી જેવા અનેક કાર્યો હાથ ધરનાર સંવેદનશીલ સરકારના હાથ મજબુત કરવાની પણ મંત્રીશ્રીએ આ વેળા અપીલ કરી હતી.

 

 

માંડવી અને માંગરોળ તાલુકાના પ્રજાજનો કે જેમણે ઉકાઈ જળાશયના નિર્માણમા યેનકેન પ્રકારે પોતાની આહુતિ આપી છે, ત્યારે તેમની વર્ષોની પાણીની પ્યાસ બુઝાવવાનુ કાર્ય રાજ્યની સંવેદનશીલ રાજ્ય સરકારે કરી છે તેમ સ્થાનિક સંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવાએ પ્રાસંગિક વક્તવ્યમા જણાવ્યુ હતુ. ભૂતકાળની સરકારોએ અનેક આવેદનપત્રો અને હડતાળને પણ નજરઅંદાજ કરીને પ્રજાદ્રોહ કર્યો હતો, ત્યારે આ સરકારે ભગીરથ કાર્ય કરીને આ યોજનાને ધરાતલ ઉપર લાવવાનુ કાર્ય કર્યું છે તેમ જણાવ્યુ હતુ. ખેડૂતોના હિતને નજર સમક્ષ રાખીને રાજ્ય અને કેન્દ્ર સરકારે અનેકવિધ કાર્યક્રમો, યોજ્નો અમલી બનાવી છે તેમ જણાવી શ્રી વસાવાએ “કૃષિ સુધારણા બીલ”નો વિરોધ કરી રહેલા કેટલાક  વિઘ્નસંતોષીઓ ખેડૂતો અને પ્રજાજનોને ગેરમાર્ગે દોરીને ગુમરાહ કરી રહ્યા છે. જેની સાચી સમજ કેળવવાની પણ તેમણે અપીલ કરી હતી.

 

 

યોજનાની ટૂંકી રૂપરેખા વર્ણવતા નર્મદા જળસંપતિ અને કલ્પસર વિભાગના સચિવ શ્રી એમ.કે.જાદવે મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. અંતે આભારવિધિ નાયબ સચિવ શ્રી એમ.આર.પટેલે આટોપી હતી.

સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ ખાતે આયોજિત આ અદકેરા કાર્યક્ર્મમા કેબીનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યો સર્વશ્રી મોહનભાઈ ઢોડીયા, ઝંખ્નાબેન પટેલ, વી.ડી.ઝાલાવાડિયા સહીત ખેડૂત અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનુ સ્મૃતિભેટ અર્પણ કરી અભિવાદન કર્યું હતુ.

 

 કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરત કલેકટર શ્રી ધવલ પટેલ, અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિતેશ કોયા સહીત જિલ્લા વહીવટી તંત્રની ટીમે અને સ્થાનિક પદાધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.

 ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે સુરત જિલ્લાના આદિજાતિ વિસ્તાર એવા માંડવી તાલુકાના સઠવાવ ખાતે કુલ રૂ. ૫૭૦ કરોડના ખર્ચે સાકાર થયેલી સિંચાઈ સુવિધા માટેની 'કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઈપલાઇન યોજના'નું લોકાર્પણ કર્યું હતું. જેનાથી સુરત જિલ્લાના પૂર્વપટ્ટીના માંડવી અને માંગરોળ તાલુકાના આદિજાતિ વિસ્તારમા સિંચાઇ સુવિધાનો નવો આયામ રચાશે. 

 

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ૬૧ ગામોના ૨૦૫૨૫ એકર તથા માંગરોળ તાલુકાના ૨૮ ગામોના ૨૮૯૭૫ એકર વિસ્તાર મળી કુલ ૮૯ ગામોના કુલ ૪૯૫૦૦ એકર વિસ્તારને વિતરણ વ્યવસ્થા થકી સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ થતાં ૨૯૦૦૦ આદિજાતિ ખેડૂત પરિવારોને લાભ થશે. ઉપરાંત ૩ મધ્યમ ડેમ, ૨ મોટા તળાવો, ૬ કોતરો, અને ૩૦ ચેકડેમોમાં પાણી સંગ્રહ થશે. જેથી આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધાથી કિસાન સમૃદ્ધિનો સૂરજ ઉગશે.

 

દુર્ગમ પહાડી વિસ્તારમાં ઈજનેરી કૌશલ્યનું અનોખું ઉદાહરણરૂપ પૂરુ પડતી આ યોજનામા કુલ ૩૨ કિલોમીટરની લંબાઇમાં માઇલ્ડ સ્ટીલની પાઇપલાઇન નાંખવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના માંડવી અને માંગરોળ તાલુકાના આદિજાતિ વિસ્તારના કેટલાક ગામો ઉંચા લેવલે હોઇ, તથા ડુંગરાળ પ્રદેશમાં આવેલા હોવાથી નજીકમાં જ ઉકાઇ ડેમ તથા કાકરાપાર વિયર જેવી મોટી સિંચાઇ યોજનાઓની નહેરો હોવા છતા આ ગામો સિંચાઇ સુવિધાથી વંચિત રહ્યા હતા. આ સમસ્યાના નિવારણ માટે આદિજાતિ વિસ્તારમા જળસંગ્રહ તથા સિંચાઇ સુવિધાઓ ઉભી કરવા માટે  સંવેદનશીલ અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા માંડવી અને માંગરોળ તાલુકામા સિંચાઇની સુવિધા પુરી પાડવા માટે ઉકાઇ-કાકરાપાર જળાશય આધારિત “કાકરાપાર-ગોરધા-વડ ઉદવહન પાઇપલાઇન યોજના”નુ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ ખેડૂતલક્ષી આયોજન હાથ ધર્યું છે. 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭માં આ યોજનાનું ખાતમુહુર્ત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ્દ હસ્તે થયું હતું.ડુંગરાળ પ્રદેશમાં આ યોજનાનુ બાંધકામ કરાયુ હોવા છતાં ભૌગોલિક પડકારોનો  સામનો કરીણે તથા “કોરોના ના કહેર” વચ્ચે પણ આ કામ અવિરતપણે જારી રાખી યોજના સાકાર કરવામાં આવી છે. આ યોજનામા કાકરાપાર વિયર ખાતે પ્રથમ પમ્પીંગ સ્ટેશન તથા  ગોડધા વિયર પાસે બીજુ પમ્પીંગ સ્ટેશન બનાવવામા આવ્યું છે.

 

 

કાકરાપાર વિયર પાસે બનાવેલ પ્રથમ પમ્પીંગ સ્ટેશનથી ૫૦૦ ક્યુસેક્સ પાણી ઉપાડી ૧૦ ફૂટ વ્યાસની એટલે કે ઘરના એક માળની ઉંચાઇ જેટલા વ્યાસની પાઇપ લાઇનથી ગોડધા વિયર અને ગોડધા વિયર પાસે બનાવેલ બીજા પમ્પીંગ સ્ટેશનથી આ જ પાણી કુલ ૩૬૮ ફૂટ જેટલી એટલે કે ૩૭ માળના મકાન જેટલી ઉંચાઇમાં લિફ્ટ કરી માંગરોળ તાલુકાના વડગામ સુધીના આદિજાતિ વિસ્તારના ગામોમાં સિંચાઇ માટે પહોંચાડવામાં આવ્યું છે.ઉકાઇ જળાશયમાં દર વર્ષે વિપુલ જથ્થામાં પાણી આવે છે. જેથી આ યોજના મારફત માંડવી અને માંગરોળ તાલુકામાં સિંચાઇથી વંચિત વિસ્તારોમાં પુરતા જથ્થામાં સિંચાઇ માટે પાણી આપી શકાશે. યોજનામા પાઇપલાઇનની નજીક આવતા ૬ કોતરોમાં પાણી નાખી ૩૦ ચેકડેમ ભરાશે. માંડવી તાલુકાના સઠવાવ તથા માંગરોળ તાલુકાના પાતાલદેવી ગામના મોટા તળાવો ભરાશે. ત્રણ મધ્યમ ડેમ ગોરધા વીયર, લાખીગામ ડેમ અને ઇસર ડેમ પણ આજ જળથી ભરવામા આવશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application