અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિશે સરળ સમજૂતી આપવામાં આવી ધરમપુર સ્થિત જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ (એન.સી.એસ.એમ.)ના 46મા સ્થાપના દિવસની ઉજવણી તા.4મી એપ્રિલ 2023ના રોજ મુંબઈ નહેરૂ વિજ્ઞાન કેન્દ્રના ટેકનિકલ ઓફિસર શ્રીનિવાસ મૂર્તિ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર અધિકારી અશોક વી. જેઠે, એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડ અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના સ્ટાફ મેમ્બર્સ અને આઈ.ટી.આઈ ધરમપુર અને વિજય રાજમહેલ રોડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
કાર્યક્રમનાં ઉદઘાટનમાં જિલ્લા વિજ્ઞાન અધિકારી અશોક જેઠેએ એન.સી.એસ.એમ.ની સ્થાપના અંગે માહિતી આપી હતી. વધુમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડે જણાવ્યું કે, સમગ્ર ભારતમાં આવેલા એન.સી.એસ.એમ.ના વિજ્ઞાન કેન્દ્રો લોકોમાં વિજ્ઞાન જાગૃતિનું કામ કરતાં રહ્યા છે. ૨૦૨૨-૨૩માં ૨૨૪૩૧૯ લોકોએ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરની મુલાકાત લીધી હતી. વધુમાં તેમણે પ્રવાહી નાઇટ્રોજન વિશે સમજૂતી આપતો ફન એટ લો ટેમ્પરેચર લિક્વિડ નાઇટ્રોજન શો બતાવ્યો હતો. જેમાં લિક્વિડ નાઇટ્રોજનની વિવિધ પદાર્થો પર અસર અને તેના ઉપયોગો વિશે રોચક સમજૂતી આપી હતી.
નહેરૂ વિજ્ઞાન કેન્દ્ર, મુંબઈના ટેકનિકલ ઓફિસર શ્રીનિવાસ મૂર્તિએ જણાવ્યું કે, વિશ્વમાં ક્યાંય નથી એવી સાયન્સ ચેઈન એનસીએસએમ દ્વારા ફક્ત ભારતમાં સ્થાપિત કરવામાં આવી છે. કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર અધિકારી અશોક વી. જેઠેએ વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું પ્રદર્શન કર્યું હતું. એજ્યુકેશન ટ્રેઇની વંદના રાજગોર, શિવાની ગરાસિયા, કૃણાલ ચૌધરી એ વિજ્ઞાનના વિવિધ પ્રયોગો બતાવ્યા હતા જેવા કે હાથમાંથી કંકુ, અદ્રશ્ય સંદેશો, હથેળીમાં કાણું, પાંજરામાં પક્ષી, કેન્દ્રત્યાગી બળ, ચુંબકની બળ રેખાઓ, ન્યુટનના ગતિના નિયમો, અને વિવિધ અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો દ્વારા વિજ્ઞાન વિશે સમજૂતી આપી હતી. ઇનોવેશન હબના મેન્ટર ગાયત્રી બીષ્ટ અને રાહુલ શાહ એ વિદ્યાર્થીઓને રોબોટિક્સ વિષે માહિતી આપી હતી.
જેમાં રોબોટની બનાવટ અને ઉપયોગ થતાં વિવિધ પ્રકારના સેન્સર્સ જેમ કે અલ્ટ્રાસોનિક, ટચ, કલર, ઇન્ફ્રારેડ, જાયરોસ્કોપ વિષે જણાવ્યું હતું. સેન્સર્સને મશીનમાં લગાવીને તે મશીનને ઓટોમેટેડ બનાવવાની પ્રક્રિયા પણ સમજાવામાં આવી હતી. મેન્ટર્સએ ઇનોવેશન હબમાં થતી ઍક્ટિવિટીસ અને વર્કશૉપ્સ વિષે જાણકારી આપી અને તેનાથી થતાં રોજગાર અને આવક વિષે સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓને 3D પ્રિન્ટરનો ઉપયોગ અને એમ વપરાતા કેડ સોફ્ટવેર વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ એમાં ઉપયોગ થતાં ફિલામેન્ટ વિષે જાણ આપી હતી. જુનિયર મેન્ટર ગાયત્રી બીસ્ટએ મશરૂમ વિશે માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને અને મુલાકાતીઓને વિવિધ ગેલેરીઓની ગાઈડેડ ટુર કરાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે બધા વિદ્યાર્થીઓને રિફ્રેશમેન્ટ કીટ આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500