રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સરકાર પક્ષ તરફથી આજે 4884 પાનાના 467 દસ્તાવેજી પુરાવાઓ એડિશ્નલ સેશન્સ જજ ડી.એસ.સિંઘની કોર્ટમાં રજૂ કરાયા હતા. તે સાથે જ આ કેસમાં પકડાયેલા 15 આરોપીઓ સામેનો કેસ સરકાર પક્ષે ખુલ્લો મુકયો હતો. આ કેસ સેશન્સ કમિટ થયા બાદની ૭મી મુદતમાં સરકાર પક્ષ તરફથી સ્પે.પી.પી., એડિશ્નલ સ્પે. પી.પી., ભોગ બનનાર પક્ષના વકિલો આજે સેશન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા અને 467 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા.
જેના કુલ 4884 પાના થાય છે. આ દસ્તાવેજોમાં એફઆઈઆર, પીએમ રિપોર્ટ, પંચનામાઓ, એફએસએલ રિપોર્ટ, બેન્કોના સ્ટેટમેન્ટ, ઓડિટ રિપોર્ટ, હસ્તાક્ષર નિષ્ણાંતના અભિપ્રાયો, કોર્પોરેશનની ફાઈલો, પીજીવીસીએલની ફાઈલો, ફાયર વિભાગની ફાઈલો, મોબાઈલ કોલ ડિટેઈલ, ઈજા પામનારના મેડિકલ સર્ટીફિકેટો વગેરેનો સમાવેશ થાય છે. કાયદાકીય જોગવાઈ મુજબ આ તમામ દસ્તાવેજી પુરાવાની નકલોની ડીવીડી આરોપીઓને પુરી પાડવામાં આવી હતી. આ કેસમાં સરકાર પક્ષ તરફથી સ્પે. પી.પી.તુષાર ગોકાણી, એડિશ્નલ સ્પે. પી.પી. નિતેશ કથીરીયા અને ભોગ બનનારાના પરિવાર વતી એડવોકેટ સુરેશ ફળદુ રોકાયેલા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500