તાપીમિત્ર ન્યુઝ,આહવાઃડાંગ જિલ્લામાં ગાંધી નિર્વાણ દિન-શહીદ દિન નિમિત્તે ઠેર ઠેર બે મિનિટનું મૌન પાળી, શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં કલેક્ટર શ્રી બી.કે.કુમારની રાહબરી હેઠળ,મહેસૂલી કર્મચારીઓ,અરજદારો તથા ઉપસ્થિત પ્રજાજનોએ સવારે બરાબર ૧૧ના ટકોરે બે મિનિટનું મૌન પાળી,શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તો જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાની ઉપસ્થિતિમાં,જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીઓ,કર્મચારીઓ, પદાધિકારીઓએ શહીદોને વંદન કર્યા હતા.આહવાની સૌથી મોટી સરકારી માધ્યમિક શાળા ખાતે પણ શાળા આચાર્યશ્રીની આગેવાની હેઠળ શાળા પરિવાર, તથા વિઘાર્થીઓએ બે મિનિટનું મૌન પાળી,શહીદોને વંદન કર્યા હતા.
ગિરિમથક સાપુતારા ખાતે ચીફ ઓફિસર શ્રી બી.એમ.ભાભોરની આગેવાની હેઠળ ચાલી રહેલી અનઅધિકૃત દબાણ હટાવ ઝુંબેશની કામગીરી,દરમિયાન બરાબર ૧૧ના ટકોરે જે.સી.બી.ની કામગીરી અટકાવી,મૌન પાળીને શહીદોને શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી.આમ,ડાંગ જિલ્લામાં શહીદ દિન-ગાંધી નિર્વાણ દિને ઠેર ઠેર શહીદ વિરોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500