નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની ઉપસ્થિતિમાં રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠકમાં નર્મદા જિલ્લાના ૯ ગામોના ૪૨૪ ઘરોના નળ જોડાણ અને રાજ્ય સરકાર હસ્તકની આદિજાતિ વિસ્તારના બાળકોના શિક્ષણ માટે કાર્યરત એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ તથા ગર્લ્સ લો લિટરસી રેસિડેન્સિયલ સ્કૂલ સહિત કુલ રૂા. ૨૦૩ લાખના પીવાના પાણીની પેયજળ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
તેમજ અગાઉના વર્ષમાંમંજૂર થયેલી જિલ્લાના ૧૧૩ ગામોની રૂપિયા ૫૪૫/- લાખની રિવાઇઝડ યોજનાને પણ બહાલી આપવામાં આવી હતી. મંજૂર થયેલી આ યોજનાઓ સમયમર્યાદામાં અને ઝડપથી પૂર્ણ થાય તે જોવા તેવતિયાએ સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને ખાસ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર તેવતિયા દ્વારા કેન્દ્ર સરકારના “જલ જીવન મીશન” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લાની મંજૂર થયેલી અને પ્રગતિ હેઠળની યોજનાઓની તેમજ જિલ્લાના નાગકિરોને પાણી વિતરણમાં કેવા પ્રકારની મુશ્કેલીઓ આવી રહી છે તેની પણ સમીક્ષા કરી હતી.
બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લાની પૂર્ણ થયેલી પેયજળ યોજના અને તેના ઓપરેટર સંદર્ભે જે તે ગામની પાણી સમિતિના અધ્યક્ષશ્રીઓ-સરપંચશ્રીઓ સાથે કાર્યક્રમ-સંવાદ યોજીને યોજનાની મરામત અને નિભાવણી માટે જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓએ સંકલનમાં રહી કામગીરી કરવા જણાવ્યું હતું. જિલ્લામાં મંજૂર થયેલી ઉક્ત ગ્રામીણ પેયજળ યોજના અંતર્ગત જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાનું ગરૂડેશ્વર ગામ તેમજ નાંદોદ તાલુકાના ટંકારી, પાટી, મોટા ભમરી, નિકોલી, મોટા લીમટવાડા, જિયોરપાટી, અમરપરા જેવા ગામોનો ઉક્ત મંજુરીમાં સમાવેશ થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500