Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરપાડા ખાતે મુખ્યમંત્રીના હસ્તે રૂા.૭૧૧ કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લિંક પાઈપલાઈન સિંચાઈ યોજના અને રૂા.૫૦ કરોડના ખર્ચે સૈનિક સ્કુલનું ખાતમુહૂર્ત

  • December 06, 2020 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રૂા.૭૧૧ કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લિંક પાઈપલાઈન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરી, આદિવાસી વિસ્તારના વિકાસની નવી તકો સાથે નંદનવન બનશે તેવી પ્રતિબદ્વતા વ્યકત કરી હતી. તેમણે રૂા.૫૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર સૈનિક સ્કુલનું પણ ઈ-ભુમિપુજન કર્યું હતું. સિંચાઈ યોજના દ્વારા ઉમરપાડા-ડેડીયાપાડા તાલુકાના ૭૩ ગામોની ૫૩,૭૦૦ એકર જમીનને સિંચાઈની સવલત મળશે. 

 

 

 

સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે આદિવાસી ક્ષેત્રના સર્વતોમુખી વિકાસ માટે રૂા.૩૭૦૦ કરોડના ખર્ચે ૧૦ જેટલી સિંચાઈ યોજનાઓ અમલી બનાવી છે. જેના દ્વારા આદિવાસી ક્ષેત્રમાં વિકાસના-સમૃદ્ધિના દ્વાર ખુલશે. 

 

 

 

છેલ્લા બે દાયકાથી પ્રજાના નાણાં પ્રજાહિત માટે વપરાય, લોકહિતાર્થે કામો થાય, ભારતમાતા ‘પરમવૈભવ’નું શિખર પ્રાપ્ત કરે એ દિશામાં સરકારે સુદઢ શાસન વ્યવસ્થા પ્રસ્થાપિત કરી છે. આધુનિક ટેકનોલોજી અને ટ્રાન્સપરન્સી સાથે લાભાર્થીઓને નાણાકીય સહાય સીધી  ખાતામાં જમા થાય છે. રૂા.ત્રણ હજાર કરોડ કોરોનાની સારવાર, વરસાદથી થયેલા નુકસાનમાં રૂા.૩૭૦૦ કરોડનું પેકેજ ખેડૂતોને આપ્યું છે. આ ઉપરાંત સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના હેઠળ કરોડો રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થયા છે. દઢ સંકલ્પ અને પારદર્શિતા સાથે રાજય સરકાર કાર્ય કરી રહી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. 

 

 

 

 

 ઉમરપાડા-ડેડીયાપાડા તાલુકાના વિકાસ માટે સરકારના નિર્ણયની પ્રતિબદ્વતા વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જગતનો તાત ખરા અર્થમાં તાત બની, સમૃદ્વિ તરફ પ્રયાણ કરે તેવો આશય રાજય સરકારનો રહેલો છે. પાણી એ વિકાસની પ્રાથિમકતા છે. પાણીદાર ગુજરાત બને એ માટે સુજલામ સુફલામ, સૌની યોજના સહિત યોજનાઓ વડે જગતના તાતના ખેતર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા રાજય સરકારે કરી છે. 

 

 

 

આદિવાસી સમાજનો ઈતિહાસ બલિદાન અને સમર્પણનો રહયો છે. દેશની આઝાદી માટે તેમના બલિદાનોને સરકારે કયારેય ભુલશે નહી. આદિવાસીઓ ખડતલ અને મહેનતું છે. આદિવાસી ક્ષેત્રના યુવાનોમાં સમર્પણ અને દેશભાવના કેળવાય તેવા આશય સાથે ઉમરપાડા તાલુકામાં અત્યાધુનિક સુવિધા સાથે દક્ષિણ ગુજરાતની પ્રથમ સૈનિક સ્કુલ બનશે. સૈનિક સ્કુલના વિદ્યાર્થીઓ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં જોડાય અને ગુજરાત રેજિમેન્ટ બને તેવા રાજય સરકારના પ્રયાસો રહેશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. 

 

 

 

 

    મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વિદ્યાર્થીઓને આધુનિક સુવિધા સાથે ઉચ્ચત્તમ શિક્ષણ આપી, એજયુકેશન ઈન્ડસ્ટ્રીઝનું હબ બને તેવા પ્રયાસો કરશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,  સમાજ-રાજય-રાષ્ટ્રના નિર્માણમાં અનેક પડકારો ઝીલી યુવાનોને કૌશલ્યબદ્વ-સક્ષમ બનાવવા છે. ગુજરાતમાં વિશ્વ સ્તરીય યુનિવર્સિટીઓ બની છે. ગુજરાતમાં ૧૦ યુનિવર્સિટીઓ હતી, હવે ૭૦ યુનિર્વિસટીઓ છે. 

 

 

 

 

 કોરોનાકાળમાં રાજયની વિકાસયાત્રાને દોહરાવતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લોકહિતના કાર્યોને સરકારે કયારેય અટકવા દીધા નથી. છેલ્લા ચાર માસમાં રૂા.૧૭ હજાર કરોડના વિકાસકાર્યો અવિરત રહયા છે. કોરોના સંક્રમણને રોકવા સરકારે કરેલા પ્રયાસોને ICMR એ પ્રશંસા કરી છે.  

 

 

 

 

આ પ્રસંગે વન, આદિજાતિ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, તાપી મૈયાના પવિત્ર નીરથી ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના હજારો ખેડૂતોની જમીન ઉપજાઉ બનશે, ખેતરોમાં અનેકવિધો પાકો થકી સમૃદ્ધિની છોળો ઉડશે એમ જણાવી કાકરાપાર ગોડધા વડ ઉદ્દવહન સિંચાઈ યોજના પણ પૂર્ણતાના આરે હોવાનું ઉમેર્યું હતું.

 

 

 

 

ખેતી જેવી મહત્વની પાયાના વ્યવસાય માટે પૂરતી સિંચાઈ હોવી એ અનિવાર્ય જરૂરિયાત હોવાનું જણાવતાં શ્રી વસાવાએ કહયું કે, ઉદ્દવહન સિંચાઈ યોજનાઓ મારફતે ગામે ગામ સિંચાઈની જલસુવિધા ઉભી થવાથી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખુલશે. ખેડૂતો, ગરીબો, શ્રમિકો, મહિલાઓ, બાળકો અને યુવાનોને વિકાસની દિશામાં દોરી જવાના પ્રયાસોને ઉમરપાડા અને ડેડીયાપાડાના આદિજાતિ ખેડૂતોએ સહર્ષ વધાવી લીધી છે, ત્યારે માત્ર સિંચાઈ જ નહીં પરંતુ આદિવાસી બાળકોને શિક્ષણ સાથે લશ્કરી તાલીમ આપી સંરક્ષણ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્ય માટેની કેડી કંડારવામાં નિમિત્ત બનવાનો આનંદ છે એમ જણાવી મંત્રીશ્રીએ માંગરોળ વિધાનસભા વિસ્તારમાં થયેલા વિકાસકામોની હારમાળા વિશે વિગતવાર જાણકારી આપી હતી.

 

 

 

 

સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર હંમેશા આદિજાતિ નાગરિકો અને ખેડુતો માટે સકારાત્મક રહી છે. આ વિસ્તારના વિકાસપુરુષ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના પ્રયાસોથી શિક્ષણ ક્ષેત્રમાં પણ ઉમરપાડા, માંગરોળ, માંડવી તાલુકામાં ઉમદા કાર્યો સાકાર થયા છે. આદિવાસી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ સુવિધા મળવાથી વર્ષમાં અનેકવિધ પાકો, શાકભાજી, ફળફળાદિનું ઉત્પાદન શક્ય બનશે. પરિણામે ખેડુતોના સર્વાંગી વિકાસનો માર્ગ પ્રશસ્ત થશે એમ શ્રી વસાવાએ ઉમેર્યું હતું.

 

 

 

 સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ પ્રાસંગીક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે,રાજ્ય સરકારે દુર્ગમ વિસ્તારોમાં પણ સિંચાઈ સુવિધા પૂરી પાડવાનું બીડું ઝડપ્યું છે. ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના ગામો ઊંચાઈમાં  હોવાથી બમણો વરસાદ થવાં છતાં પણ શિયાળુ અને ઉનાળુ પાકો લેવા માટે પાણી વિના ખેડૂતો તરસતાં હતા. ઉચ્ચ ઈજનેરી કૌશલ્ય વડે પાણીને લિફ્ટ કરી આ વિસ્તારોની વર્ષો જૂની સિંચાઈની સમસ્યા ઉકેલાશે. આ  ભગીરથ કાર્ય બદલ તેમણે રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

 

 

 

કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે સરકારની કોવિડ ૧૯ની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરાયું હતું. કાર્યક્રમ સ્થળે પૂરતી માત્રામાં માસ્ક, સેનિટાઈઝર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. 

 

 

 

 

 

આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર,   જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ પ્રિતીબેન પટેલ,  ઉમરપાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ દરિયાબેન વસાવા, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખશ્રી જગદીશ ગામીત, સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંગભાઈ પટેલ,ઉપપ્રમુખ રાજુભાઈ પાઠક, આદિજાતિ વિકાસ વિભાગના સચિવશ્રી અનુપમ આનંદ, જળસંપતિ વિભાગના સચિવ એમ.કે.જાદવ,  જિલ્લા કલેક્ટરશ્રી ડો. ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.કોયા, ધારાસભ્યશ્રીઓ, સિંચાઈ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ, ખેડૂતો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application