“વન નેશન, વન રેશનકાર્ડ” યોજનાનો ભારત સરકાર દ્વારા વર્ષ-2020થી અમલ કરાઈ રહ્યો છે. જેમાં ગુજરાતની પાયલોટ પ્રોજેકટ તરીકે પંસદગી કરવામાં આવી હતી. આ યોજના એક સ્થળેથી બીજા સ્થળે શિફ્ટ થતાં પ્રવાસી શ્રમિકો અને કામદારો માટે ફાયદાકારક છે. કારણ કે, યોજનાની અમલવારી પહેલા એવો નિયમ હતો કે, જે જિલ્લામાં રેશનકાર્ડ બનેલું હોય ત્યાંથી જ રેશન મળી શકતું હતું. જિલ્લો બદલાતા શ્રમિકોને રેશન મળતું ન હતું.
પરંતુ હવે તેઓ જ્યાં પણ રોજગાર અર્થે જાય તેમના ભાગનું રેશન તેમને મળી જાય છે. વડોદરા શહેર અને જિલ્લામાં આ યોજનાના લાભાર્થીઓની જોઈએ તો, એક જ વર્ષમાં અન્ય રાજ્યના 5852 લોકો, જિલ્લાના 25767 લોકો તથા અન્ય જિલ્લાના 10155 લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. એપ્રિલ-2021થી એપ્રિલ-2022થી અન્ય રાજ્ય, અન્ય જિલ્લાના અને વડોદરા જિલ્લાના થઇને કુલ 41774 લાભાર્થીઓએ ‘વન નેશન, વન રેશનકાર્ડ’ યોજનાનો લાભ લીધો છે.
આ યોજનાના લાભ લેવા માટે માહિતી લોકો સુધી પહોંચે તે માટે ભારત સરકાર દ્વારા “મેરા રેશન” મોબાઇલ એપ્લીકેશન જુદી જુદી પ્રાદેશિક ભાષામાં તૈયાર કરવામાં આવેલ છે. જે મોબાઇલ એપ્લીકેશન દ્વારા લાભાર્થી પોતાનુ રજીસ્ટ્રેશન કરી પોતાની નજીકની વ્યાજબી ભાવની દુકાન અંગેની વિગતો, પોતાને મળવાપાત્ર જથ્થાની વિગતો વગેરે મેળવી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500