૧૭૩-ડાંગ વિધાનસભા મતદાર વિભાગની તા.૩જી નવેમ્બરના રોજ પેટા યોજાયેલી ચૂંટણીમા ૭૫.૦૧ ટકા જેટલુ મતદાન નોંધાયુ છે.
તા.૩/૧૧/૨૦૨૦ના રોજ સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી યોજાયેલા મતદાન માટે ડાંગ જિલ્લામા નોંધાયેલા કુલ ૮૯૪૧૭ પુરુષ મતદારો, ૮૮૭૬૭ સ્ત્રી મતદાર, તથા ૨ અન્ય જાતિના મતદાર મળી કુલ ૧૭૮૧૮૬ મતદારો નોંધાયા હતા. જે પૈકી ૬૬૧૭૧ પુરુષ, અને ૬૬૮૭૩ સ્ત્રી મળી કુલ ૧૩૩૦૪૪ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા અહી ૭૪.૦૦ ટકા મતદાન નોંધાયુ હતુ. આ ઉપરાંત ૬૧૫ ઈ.ડી.સી. મત (ઈલેક્શન ડ્યુટી સર્ટીફીકેટ) સાથે અહી કુલ ૭૫.૦૧ ટકા મતદાન નોંધાયુ છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગત મોડી રાત્રે પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લામા સૌથી વધુ મતદાન ધુલચોંડ ગામે ૯૫.૨૮ ટકા, જયારે સૌથી ઓછુ મતદાન સાપુતારા મતદાન મથકે ૪૪.૯૪ ટકા નોંધવા પામ્યુ છે.
તાલુકાવાર જોઈએ તો અહી આહવા તાલુકામા ધુલચોંડ ગામે ૯૫.૨૮ ટકા, જયારે સૌથી ઓછુ મતદાન સાપુતારા મતદાન મથકે ૪૪.૯૪ ટકા નોંધવા પામ્યુ છે. આમ, આહવા તાલુકામા કુલ ૭૩.૩૪ ટકા મતદાન થયું છે. તેજ રીતે વઘઈ તાલુકામા સૌથી વધુ વાંકન ગામે ૯૪.૭૯ ટકા, અને સૌથી ઓછુ વઘઈ-૩ મથકે ૬૩.૯૭ ટકા સાથે તાલુકામા કુલ ૮૧.૦૩ ટકા, અને સુબીર તાલુકામા સૌથી વધુ મતદાન ધાનીઆમ્બા ગામે ૮૯.૭૧ ટકા, અને સૌથી ઓછુ મતદાન ઉગા ગામે ૪૯.૬૫ ટકા નોંધાવા સાથે તાલુકામા કુલ ૭૨.૬૫ ટકા મતદાન નોંધાયુ છે.
આમ, ડાંગ જિલ્લામા ૭૪ ટકા બુથ વોટીંગ અને ૬૧૫ ઈ.ડી.સી. મત સાથે કુલ ૭૫.૦૧ ટકા મતદાન નોંધાતા ૯ જેટલા હરીફ ઉમેદવારોનુ ભાવી ઈ.વિ.એમ.મા સીલ થવા પામ્યુ છે.
ઈ.ડી.સી. (ઈલેક્શન ડ્યુટી સર્ટીફીકેટ) મત સહીત આ અગાઉ ડાંગ જિલ્લાની આ ચૂંટણી માટે ગત તા.૨૪/૧૦/૨૦૨૦ના રોજ યોજાયેલ ફરજપરના પોલીસ સ્ટાફ સહિતના જવાનોએ પણ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતુ. જેના ૧૦૭૧ મતો તથા ડાંગ જિલ્લાના મતદારો કે જેઓ અન્ય જિલ્લાઓમા નોકરી અર્થે સ્થાયી થયા છે, તેમના દ્વારા પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરવામા આવી રહ્યું છે. તથા જિલ્લામા નોંધાયેલા ૩૪ જેટલા સર્વિસ વોટર્સ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. જે તમામ મતોની ગણતરી આગામી તા.૧૦/૧૧/૨૦૨૦ ના રોજ આહવા ખાતે કરવામા આવશે.
"કોરોના" ના કપરા સમયમા યોજાયેલી ડાંગ જિલ્લાની આ પેટા ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્રે ૩૧૧ ગામોમા ૩૫૭ મતદાન મથકો ઉભા કર્યા હતા. જે પૈકી આહવાના આશ્રમ વિદ્યાલય ખાતે એક "આદર્શ મતદાન મથક", અને ભીસ્યા તથા ગોંડલવિહિર ગામે એક એક "સખી મતદાન મથક" ઉભા કરાયા હતા.
"કોરોના કાળ" માં સંપૂર્ણ સાવચેતી અને ચોક્સાઈ સાથે યોજાયેલી આ ચૂંટણીમા હકારાત્મક સહયોગ આપવા બદલ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે.ડામોરે જિલ્લાના તમામ અધિકારી, કર્મચારીઓ, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલા જવાનો, જિલ્લાના મતદારો, તથા હરીફ ઉમેદવારો સહીત સંબંધિત સૌ કોઈનો શાંતિપૂર્ણ માહોલમા ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500