તાપીમિત્ર ન્યૂઝ,રાજપીપલા: ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઇકાલે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની મુકામે અંદાજે રૂા.૨.૨૫ કરોડના ખર્ચે વીર ભગતસિંહ પ્રાથમિક શાળાનાં નવનિર્મિત બાંધકામ સાથેની વીર ભગતસિંહ ગ્રીન પ્રાથમિક શાળનાં નવીન મકાનને ખૂલ્લું મુક્યું હતું. આ પ્રસંગે તેમણે શાળાના પ્રાંગણમાં શહીદ વીર ભગતસિંહની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું. છોટાઉદેપુરના સાંસદશ્રી રામસિંહભાઇ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૂચિકાબેન વસાવા, વન અને આદિજાતિ વિભાગનાં પૂર્વ રાજ્ય મંત્રીશ્રી શબ્દશરણભાઇ તડવી, ગરૂડેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લલીતાબેન તડવી,જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ શ્રીમતી મમતાબેન વસાવા અને જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિનાં અધ્યક્ષશ્રી દિનેશભાઇ તડવી સહિત જિલ્લા અને તાલુકાનાં અન્ય પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા ઉક્ત શાળાનાં નવનિર્મિત મકાનનાં લોકાર્પણ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમનાં સંબોધનમાં જણાવ્યું હતું કે,શાળા એ મા સરસ્વતીનું સાક્ષાત મંદિર છે અને શિક્ષકો આ મંદિરનાં પૂજારી છે.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, શિક્ષણ એ સતત ચાલતી લાંબી પ્રક્રિયા છે એટલે શિક્ષકનું કાર્ય ક્યારેય પુરૂં થતું નથી.ઇશ્વર બાળકને જન્મ આપે છે પરંતુ તેને માણસ બનાવવાની જવાબદારી શિક્ષક નિભાવે છે.ત્યારે આ ગ્રીન શાળાનાં વાતાવરણમાં શિક્ષકો પણ પ્રફુલ્લિત મને અક્ષરજ્ઞાનની સાથોસાથ મહાન રાષ્ટ્રપુરૂષો અને ક્રાંતીવીરો-શૂરવીરોના જીવન ચરિત્રમાંથી વિદ્યોર્થીઓને પ્રેરણા મળે તેવા સંસ્કાર સિંચન દ્વારા શ્રેષ્ઠ નાગરિકનાં ઘડતર થકી શ્રેષ્ઠ સમાજ ઘડતરનું નિર્માણ થાય તેવું મહામૂલુ યોગદાન પુરૂ પાડવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો. શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં ઉમર્યું હતું કે,સમાજમાં ઇશ્વર પછી જો કોઇનું સ્થાન હોય તો એ શિક્ષકોનું છે.શિક્ષકની સાથોસાથ બાળકનાં શિક્ષણ માટે વાલીઓની પણ એટલી જ જવાબદારી છે, ત્યારે બાળકનાં સર્વાંગી વિકાસમાં શું ખુટે છે ?તે દિશામાં શિક્ષકોએ તેમનું મન બનાવીને શિક્ષણ કાર્ય આગળ ધપાવશે,તો ચોક્કસ શિક્ષકો તે દિશામાં ધ્યેય પ્રાપ્ત કરી શકશે.તેમણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને દેશના હાલનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગત ૨૦૦૨ માં ભારતમાં ગુજરાતને નંબર- ૧ નું રાજ્ય બનાવવાનું મન બનાવ્યું હતું અને તે લક્ષ સિધ્ધ કરીને આજે હવે સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ ભારત બનાવવાનાં ધ્યેય સાથે આગળ વધીને ભારતનું ગૌરવ વધારી રહ્યાં છે.ત્યારે શિક્ષકો અને સમાજના સંયુક્ત પદાર્પણથી શ્રેષ્ઠ નાગરિકોનું ઘડતર થાય અને સામાજિક સમરસતા થકી “ એક ભારત – શ્રેષ્ઠ ભારત” ના નિર્માણની દિશાના સહિયારા પ્રયાસો માટે સૌ કોઇને કટિબધ્ધ થવા તેમણે આહવાન કર્યું હતું. સંસદસભ્યશ્રી રામસિંહભાઇ રાઠવાએ તેમનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે, કેવડીયા કોલોની ખાતે “સ્ટેચ્યુ ઓફ યુનિટી” નાં પ્રોજેક્ટને લીધે આ વિસ્તાર વિશ્વમાં પ્રવાસન ક્ષેત્રે વિશિષ્ઠ સ્થાન મેળવશે ત્યારે અહીં વિશ્વ કક્ષાgf આરોગ્ય કેન્દ્ર – મેડીકલ કોલેજની સુવિધા માટે પણ સરકારે ચિંતા કરી છે. આગામી સમયમાં અહીં સુધી રેલ્વે સુવિધા પણ આવી રહી છે.આ જિલ્લામાં સ્થપાયેલી બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં તમામ ફેકલ્ટીઓની શિક્ષણ સુવિધા પણ ઉપલબ્ધ થશે, તેમ તેમણે ઉમેર્યું હતુ. ગુજરાતનાં વન અને આદિજાતિ કલ્યાણના પૂર્વ રાજ્યમંત્રી શ્રી શબ્દશરણભાઇ તડવીએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક સુવિધાઓની ઉપલબ્ધિ માટે સરકાર દ્વારા સતત ચિંતા કરીને જે તે વિસ્તારની જરૂરિયાત મુજબની શૈક્ષણિક સવલતો ઉપલબ્ધ કરાઇ રહી છે.તેમણે ગ્રીન શાળાના કન્સેપ્ટ સંદર્ભે ઉમેર્યું હતું કે, શાળામાં અભ્યાસ દરમિયાન બાળકોનું મન પ્રફુલ્લિત રહે તેવું વાતાવરણ આવી ગ્રીન શાળાઓમાં સર્જવામાં આવ્યું છે ત્યારે આ વિસ્તારના લોકો તેનો મહત્તમ લાભ મેળવે તે જોવા પણ તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી મમતાબેન ,બાંધકામ સમિતિના અધ્યક્ષશ્રી દિનેશભાઇ તડવી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. નિપાબેન પટેલ, શાળાના આચાર્યશ્રી ખુમાનસિંહ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના, સ્વાગત ગીત તેમજ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. શાળાના મકાનનું બાંધકામ કરનાર ઇજારદાર તરફથી શિક્ષણ મંત્રીશ્રી ચુડાસમાને રૂા. ૨૦ હજારનો ચેક મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણીનિધિ માટે અર્પણ કરાયો હતો.આ પ્રસંગે જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા-તાલુકાના અગ્રણીશ્રીઓ, એસ.એમ.સી.ના અધ્યક્ષ ઉમાબેન સહિત અન્ય સભ્યશ્રીઓ,શાળા પરિવાર-વાલીઓ-વિદ્યાર્થીઓ, ગ્રામજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.પ્રારંભમાં શાળાના આચાર્યશ્રી ખુમાનસિંહ પટેલે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા અને અંતમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સચિનભાઇ શાહે આભારદર્શન કર્યું હતું.આ અગાઉ શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શુલપાણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી અને ત્યારબાદ સાધુ ટેકરી નજીક આકાર લઇ રહેલા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” પ્રોજેક્ટ સ્થળની પણ મુલાકાત લઇને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની પ્રતિમાની થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024