મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર ભયંકર દુર્ઘટનાનાં અહેવાલો સામે આવ્યા છે. અહીં એક કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ લાગવાના કારણે 4 લોકોનાં મોત નિપજ્યા છે અને 3 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો મળ્યા છે. પોલીસનાં જણાવ્યા અનુસાર આ દુર્ઘટના આજે લોનાવાલા અને ખંડાલા વચ્ચે બની છે. પોલીસે જણાવ્યું કે, ટેન્કરમાં કેમિકલ ભરેલું હતું. અકસ્માત થયા બાદ ટેન્કરમાં આગ લાગી અને કેમિકલમાં વિસ્ફોટના કારણે લાગેલી આગના ગોટા રસ્તા પર જઈ રહેલા અન્ય વાહનો પર પડ્યા હતા.
લોનાવાલા પોલીસ સ્ટેશનનાં એક અધિકારીએ જણાવ્યું કે, રસ્તા પર જઈ રહેલી ચાર વાહનો પર આગના ગોટા પડ્યા હતા. ટેન્કરમાં સવાર એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે એક્સપ્રેસ-વે પર વાહન વ્યવહાર થંભી ગયો હતો. લોનાવાલા શહેરમાંથી ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાલ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે અને આગ પર કાબુ મેળવી લેવાયો છે.
પોલીસનાં જણાવ્યા અનુસાર ટેન્કરના ડ્રાઈવરે ટેન્કર પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં કેમિકલ લઈને પુણેથી મુંબઈ તરફ ઝડપી ગતિએ આવી રહેલા ડ્રાઈવરે ટેન્કર પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે ટેન્કર રસ્તા પર પલટી ગયું અને ત્યારબાદ ટેન્કરનું કેમિકલ રસ્તા પર ચારેકોર ફેલાઈ ગયું અને આ કેમિકલ બ્રિજની નીચેના રસ્તા પર પણ ફેલાઈ ગયું તેમજ આ દરમિયાન ટેન્કરમાં આગ લાગી ગઈ હતી. ખંડાલા ઘાટ પાસે ટેન્કરમાં આગ લાગી હતી. આગની ઝપેટમાં પુલ નીચે કારો પણ આવી ગઈ હતી. પુલ નીચે બેથી ત્રણ કારો આગની લપેટમાં આવી ગઈ હતી, જેમા ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500