Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગ જિલ્લામાં પાછલા સો દિવસોમાં રૂપિયા ૬૬૭.૩૨ લાખના ખર્ચે ૩૮૬ કુવાઓનું કરાયું વીજળીકરણ

  • March 31, 2023 

'વિકાસ સર્વસમાવેશક, સર્વપોષક, અને સર્વ વ્યાપક હોવો જોઈએ' તેવા સ્પષ્ટ અભિગમ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, જન કલ્યાણના દરેક ક્ષેત્રને પ્રગતિના શિખરે પહોંચાડવા પ્રયત્નશીલ છે. ત્યારે પાછલા સો દિવસોમાં નિયત લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સરકારી તંત્ર પણ ખભેખભા મિલાવીને લક્ષ્યને ટાંપી જઈ, ક્યાંક સવાયું તો ક્યાંક અઢી ઘણું કામ કરીને ગુજરાતનું માન વધારી રહ્યું છે. સો દિવસ : સાથ, સહકાર અને સેવાના સૂત્રને ચરિતાર્થ કરતા ગુજરાતના છેવાડે આવેલા, અને પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગ જિલ્લામાં, દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની 'ખેતી વિષયક કુવાઓના વીજળીકરણ' ની યોજના અંતર્ગત, નિયત લક્ષ્યાંક કરતા અઢી ઘણું કાર્ય પૂર્ણ કરીને, ડાંગ જિલ્લા સહિત ગુજરાતનું માન વધાર્યું છે.





આહવાની વીજ કચેરીના નાયબ ઈજનેર વિજય પટેલના જણાવ્યા અનુસાર, ડાંગ જિલ્લાના આહવા સહિત વઘઇ અને સાપુતારાની પેટા વિભાગીય કચેરીઓને સો દિવસમાં ૧૫૦ કુવાઓના વીજળીકરણના અપાયેલા લક્ષ્યાંક સામે, વીજ વિભાગે રૂપિયા ૬૬૭.૩૨ લાખના ખર્ચે, ૩૮૬ કુવાઓનું વીજ જોડાણ કરીને અઢી ઘણું કાર્ય પૂર્ણ કર્યું છે. આ અગાઉ ખેડૂતોની આવક બમણી કરવા માટે તેમને અપાતી જુદી જુદી યોજનાઓના લાભો પૈકી, વીજ વિભાગે ડાંગ જિલ્લામાં સને ૨૦૦૩થી ૨૦૨૧ સુધીમાં, આદિજાતિ વિકાસ વિભાગની યોજના અંતર્ગત, કુલ રૂપિયા ૩૨૧૦.૯૨ લખના ખર્ચે, ૨૨૫૧ કુવાઓને વીજ જોડાણ આપ્યા છે તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આહવા તાલુકાના ભીસ્યા ગામના લાભાર્થી દક્ષાબેન વસંતભાઈ કુંવર એ, તેમને મળેલા આ વીજ જોડાણથી તેઓ વર્ષભર પાણીની સવલત ઉપલબ્ધ થતા ખેતી પાક લઈ શકશે તેમ એક મુલાકાતમાં જણાવ્યું હતું. આમ, રાજ્ય સરકારના સાથ, સહકાર અને સેવાના સો દિવસ દરમિયાન ડાંગ જિલ્લાએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને, ગુજરાતનું માન વધાર્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application