Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કૃષિ ક્ષેત્ર મજબૂત થશે,તો આત્મનિર્ભર ભારતનો પાયો હંમેશા મજબૂત રહેશે:પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી

  • September 28, 2020 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કોવિડ કટોકટી દરમિયાન દેશના ખેડૂતોએ જબરદસ્ત ક્ષમતા પ્રદર્શિત કરી છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જો કૃષિ ક્ષેત્ર મજબૂત થશે, તો આત્મનિર્ભર ભારતનો પાયો હંમેશા મજબૂત રહેશે. તેમણે નોંધ્યું હતું કે, તાજેતરમાં આ ક્ષેત્ર ઘણા નિયંત્રણોમાંથી મુક્ત થયું છે અને ઘણી ખોટી ધારણાઓ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે તેમણે હરિયાણાના એક ખેડૂત શ્રી કંવર ચૌહાણનું ઉદાહરણ આપ્યું હતું, જેમને તેમના ફળફળાદિ અને શાકભાજીનું વેચાણ બજારની બહાર કરવામાં અનેક અવરોધોનો સામનો કરવો પડતો હતો, પણ વર્ષ 2014માં એપીએમસી કાયદામાંથી ફળફળાદિ અને શાકભાજીને બાકાત રાખતા તેમને ઘણો ફાયદો થયો હતો. તેમણે ખેડૂત ઉત્પાદક સંઘની રચના કરી હતી અને હવે તેમના ગામમાં મકાઈ અને બેબી કોર્નનું વાવેતર કરીને દિલ્હીમાં આઝાદપુર બજાર, મોટી રિટેલ ચેઇન અને ફાઇવ સ્ટોર હોટેલ્સને સીધું વેચાણ કરે છે, જેનાથી તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

 

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, આ ખેડૂતો કોઈ પણ જગ્યાએ, કોઈ પણને તેમના ફળફળાદિ અને શાકભાજીનું વેચાણ કરવાની ક્ષમતા ધરાવે છે, જે તેમની પ્રગતિનો પાયો છે અને હવે આ જ રીત આખા દેશમાં તમામ પ્રકારના ઉત્પાદનો માટે લાગુ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં ખેડૂત ઉત્પાદન સંઘ શ્રી સ્વામી સમર્થ ફાર્મ પ્રોડ્યુસર કંપની લિમિટેડનું ઉદાહરણ ટાંકીને ફળફળાદિ અને શાકભાજીને એપીએમસીના કાર્યક્ષેત્રમાંથી દૂર કરવાને કારણે ખેડૂતોને થયેલા ફાયદાઓ વિશે પણ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પૂણે અને મુંબઈમાં ખેડૂતો તેમની રીતે સાપ્તાહિક બજારો ચલાવે છે અને વચેટિયાઓ વિના સીધું વેચાણ કરે છે. તેમણે તમિલનાડુ બનાના ફાર્મર પ્રોડ્યુસ કંપની વિશે પણ વાત કરી હતી, જે અંતર્ગત ખેડૂતોએ સંયુક્તપણે લોકડાઉન દરમિયાન આસપાસનાં ગામડાઓમાંથી શાકભાજી, ફળફળાદિ અને કેળાની સેંકડો મેટ્રિક ટનની ખરીદી કરી હતી અને ચેન્નાઈમાં વેજીટેબલ કોમ્બો કિટ સપ્લાય કરી હતી.

 

તેમણે લખનૌના ‘ઇરાદા ફાર્મર પ્રોડ્યુસર’ ગ્રૂપનો ઉલ્લેખ કર્યો હતો, જેણે લોકડાઉન દરમિયાન ખેડૂતોના ખેતરોમાંથી સીધી ફળફળાદિ અને શાકભાજીની ખરીદી કરીને એનું વેચાણ લખનૌના બજારમાં કર્યું હતું અને વચેટિયાઓમાંથી મુક્તિ મેળવી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવી તકનીકોની ઉપયોગિતા અને ઇનોવેશન દ્વારા કૃષિ ક્ષેત્ર વધુ પ્રગતિ કરશે. તેમણે ગુજરાતના એક ખેડૂત ઇસ્માઇલ ભાઈનું ઉદાહરણ ટાંક્યું હતું, જેમણે તેમના પરિવારજનોની ઇચ્છાથી વિપરીત ખેતીવાડી કરવાની શરૂઆત કરી હતી. તેમણે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને બટાટાનું વાવેતર કર્યું હતું – અત્યારે ઉચ્ચ ગુણવત્તાયુક્ત બટાટા તેમની ઓળખ થઈ ગઈ છે. તેઓ વચેટિયાઓ વિના મોટી કંપનીઓને સીધું વેચાણ કરે છે અને તગડો નફો કરે છે. પ્રધાનમંત્રીએ મણિપુરની શ્રીમતી બીજય શાંતિની વાત પણ કરી હતી, જેમણે કમળની દાંડીમાંથી દોરા બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. તેમણે ઉમેર્યુ હતું કે, શાંતિના પ્રયાસો અને ઇનોવેશને કમળની ખેતી અને ટેક્સટાઇલના ક્ષેત્રમાં નવા વિકલ્પો ઊભા કર્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application