હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો પાસે રેડીયમટેપ અને ઈચિંગ કરવાના બહાના હેઠળ રૂપિયા ઉઘરાણું કરતી ગેંગ મોડીરાત્રે બાજીપુરા-બારડોલી વચ્ચે નેશનલ હાઇવે પર સક્રિય થઇ છે. આ ગેંગ દ્વારા રૂપિયા ઉઘરાવવા બાબતે આરટીઓ સહિત કોઈ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવી છે કે કેમ ?? તે પણ એક તપાસનો વિષય બન્યો છે.
અંગે મળેલી વિગત પ્રમાણે છેલ્લા ઘણા દિવસથી મોડીરાત્રે બાજીપુરાથી બારડોલી સુધીના નેશનલ હાઈવે નંબર 53 પરથી પસાર થતા વાહનચાલકો પાસે રેડિયમ ટેપ અને ઈચિંગ કરવાના નામે વાહન દીઠ 100-200 થી 300 રૂપિયા ઉઘરાવવાની પ્રવૃત્તિ પુરજોશમાં ચાલી રહી છે. મહત્વનું તો એ છેકે, ટેક્ષી પાર્સીંગની સ્કુલ વાન એક ઇક્કો ગાડી નંબર જીજે/05/બીઝેડ/5540 લઇ આ પ્રવૃતિઓ માત્ર મોડીરાત્રે 2 વાગ્યાથી સવાર ના 5 વાગ્યા સુધી જ ચાલે છે. જેને લઇ પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે.
સુરત જીલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામ પાસે હાઇવે પર ઉભી કરવામાં આવેલ ચેકપોસ્ટ પાસે હાઇવેની બંને તરફ અંદાજિત દશ જેટલા લુખ્ખા યુવાનો પાવતી બુક હાથમાં લઈ હાઇવે પરથી પસાર થતી ટ્રકોને અટકાવી રેડિયમ ટેપના નામે રૂપિયા ખંખેરતા નજરે પડ્યા હતાં.
ત્યારે એક જાગ્રત નાગરિકે એમને ઉઘરાણા બાબતે પૂછતાં જણાવ્યું હતું કે,અમે પોલીસની મંજૂરી લઈ કામગીરી કરી રહ્યાં છે. અને અમને નેશનલ હાઈવે ઓથોટિરીટ અને ગુજરાત સરકાર દ્વારા કામગીરી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આમ પોલીસ અને હાઇવે ઓથોરીટીતંત્રના નામે મંજુરી લઇ ઉઘરાણું કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું, હાઈવે પર રેડિયમ ટેપ લગાવવાના નામે ગેંગ દ્વારા લાખોની રકમ ઉઘરાવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રવૃત્તિને કોના આશીર્વાદ મળેલ છે ?? તે એક તપાસનો વિષય બન્યો છે.
હાલ વિશ્વભરમાં કોરોનારૂપી મહામારીએ હાહાકાર મચાવ્યો છે. લોકડાઉન થી અનલોક સુધી અનેક લોકો આર્થીક રીતે પડી ભાંગ્યા છે અને માંડમાંડ જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. સરકાર દ્વારા પણ પ્રજાને બનતા પ્રયાસો મદદ કરી રહી છે. તેમાં શંકા ને કોઈ સ્થાન નથી. પરંતુ આવા કપરા સમયમાં હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો પાસે મોડીરાત્રે રેડીયમટેપ અને ઈચિંગ કરવાના બહાના હેઠળ રૂપિયા ઉઘરાણું કરવાનું કેટલું યોગ્ય છે ?? તે એક સવાલ ઉભો થયો છે. આમ પરપ્રાંતીયવાસી એવા ગેંગના સભ્યો ટ્રક ચાલકોને હાઈવે પર લૂંટી રહ્યાં હોવાની બુમરાણ ઉઠવા પામી છે. ત્યારે એમના વિરુદ્ધ પગલા ભરવામાં આવે એવી માંગ ઊભી થઈ છે.
ત્યારે આ પ્રકરણમાં રાજ્યના નવા પોલીસવડા આશિષ ભાટિયા ગંભીરતા લઇ તલસ્પર્શી તપાસના આદેશ આપે તે જરૂરી બન્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500