ગુજરાત રાજ્ય સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન શ્રી સરદારસિંહ બારૈયા એ, વર્ષ ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી થાય તેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ધ્યેયને સાકાર કરવા માટે કૃષિ ક્ષેત્રે રાજ્યભરમાં યોજાતા કૃષિ સંમેલન, કૃષિ ગોષ્ઠિ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મેળા ખૂબ જ ઉપકારક બન્યા છે, તેમ આહવા ખાતે જણાવ્યું હતું.
રાજ્યમાં કૃષિ લક્ષી વિવિધ યોજનાકીય માહિતી દરેક ખેડૂતના ઘરે સરળતાથી મળી રહે તે માટે આજે ઈન્ટરનેટના માધ્યમથી ગામડામાં રહેતા ખેડૂતો પણ પોતાની વિચારધારાથી વૈશ્વિક સ્તરે ડગ માંડી રહ્યા છે, તેમ જણાવતા શ્રી બારૈયાએ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ઘટાડી પ્રાકૃતિક કૃષિ અંગે વિશેષ જોગવાઈ કરી છે તેમ પણ ઉમેર્યું હતું
આવનારા સમયમાં ગુણવત્તાયુક્ત અને રસાયણ મુક્ત ખેત પેદાશ, પૌષ્ટિક આહાર, જમીન અને પર્યાવરણ સુધારણા વિગેરે જેવા જરૂરી અભિગમો માટે પ્રાકૃતિક કૃષિ એક ઉત્તમ વિકલ્પના રૂપમાં સામે આવી છે, ત્યારે ઉપલબ્ધ દેશી ગાયના નિભાવ ખર્ચ માટે રૂ. ૯૦૦/- પ્રતિ માસ સહાય, કુલ ૧,૦૫,૦૦ લાભાર્થી ખેડૂતો માટે રૂ. ૬૬.૫૦ કરોડની જોગવાઈ અને દેશી ગાયના છાણ-ગૌમૂત્રમાંથી જીવામૃત બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ કિટ માટે રૂ. ૧૩૫૦/- પ્રતિ કિટ સહાય, કુલ ૧૦૦૦ લાભાર્થી ખેડૂતો માટે રૂ. ૧૩.૫૦ કરોડની જોગવાઈ વાળી આ બે યોજના ‘સાત પગલાં ખેડૂત કલ્યાણ નાં” ભાગ રૂપે અમલમાં મૂકવામાં આવી છે, જે પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે બળ પૂરું પાડશે. તેમ જણાવતા ચેરમેનશ્રીએ ડાંગના સૌ ખેડૂતોને આ યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
"સાત પગલા ખેડૂત કલ્યાણના" યોજનાનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલે ખેડૂત કલ્યાણ માટેના રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોનો ખ્યાલ આપ્યો હતો. ડાંગ જિલ્લાના ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરતા શ્રી પટેલે ખેડૂત કલ્યાણ માટેની શ્રેણીબદ્ધ યોજનાઓનો લાભ લેવાથી કોઈ પણ યોગ્ય લાભાર્થી વંચિત ન રહી જાય તેની તકેદારી દાખવવા સાથે યોગ્ય સમયે વારસાઈ કરાવીને, રાજ્ય તથા કેન્દ્ર સરકારની અઢળક યોજનાઓનો લાભ મેળવી શકાય છે તેમ જણાવ્યું હતું.પ્રાસંગિક ઉદ્ભોધન કરતા માજી ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ કાર્યક્રમનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો.
આધુનિક ટેકનોલોજીના સુભગ સમન્વય સાથે રાજ્ય કક્ષાએથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી "સાત પગલા ખેડૂત કલ્યાણ" કાર્યક્રમના બીજા પગલાનો ઈ શુભારંભ કરાવ્યો હતો.
આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોને આત્મા એવોર્ડ્સ સહિત વિવિધ યોજનાકીય સહાયનું પણ વિતરણ કરાયું હતું.
કાર્યક્ર્મમા સામાજિક કાર્યકર શ્રી બાબુરાવ ચૌર્યા સહિત પ્રાંત અધિકારી કાજલ ગામીત, જિલ્લા બાગાયત અધિકારી શ્રી તુષાર ગામીત, પ્રગતીશીલ ખેડૂતો, માહિતી વિભાગની ટીમ, સહિતના લોકોએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી. શરૂઆતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સુનીલ પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું. જયારે આભારવિધિ આત્માના શ્રી પવાગઢીએ આટોપી હતી. ઉદઘોસક તરીકે શ્રી રામસિંહ ડોડીયાએ સેવા આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500