ખેડુતોની આવક બમણી કરવાના લક્ષ્યને સાકાર કરવા રાજ્ય સરકારના આત્મનિર્ભર પેકેજ અંતર્ગત 'સાત પગલા ખેડુત કલ્યાણના' હેઠળ મહુવા ખાતે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય અને પ્રાકૃતિક ખેતી યોજના હેઠળ બારડોલી,પલસાણા અને મહુવા તાલુકાના ૧૨ ખેડુત લાભાર્થીઓને સહાયના મંજુરી હુકમો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે વિતરણ કરાયા હતા. મહુવા ક્લસ્ટરના ૭૧૯ ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ યોજના ગાયના નિભાવ ખર્ચની સહાય અને પ્રાકૃતિક કૃષિ કીટસ યોજના હેઠળ ૧૨૭૦ ખેડૂતો મળી કુલ ૧૯૮૯ ખેડૂતોને તબક્કાવાર લાભાન્વિત કરવામાં આવશે.
કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે વર્ષ ૨૦૧૮-૧૯ ના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ વિજેતા તાલુકા કક્ષાના આઠ અને જિલ્લા કક્ષાના બે પ્રગતિશીલ ખેડૂતોને શાલ, સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.
મહુવા અસ્મિતા ભવન, બ્રાહ્મણ સમાજની વાડી ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, ભારત દેશમાં ધરતી અને ગાયને માતા તેમજ ખેડૂતને જગત-તાતની ઉપમા આપવામાં આવી છે. ખેડુતોના સર્વાંગી વિકાસ માટે ‘સાત પગલા ખેડુત કલ્યાણના’ સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવા રાજ્ય સરકારે સાત મહત્વની કૃષિ યોજનાઓ બનાવી છે. રાજ્ય સરકારે ખેડૂતો માટેની ખેડૂત કલ્યાણના સાત પગલા પૈકી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ગાયનો નિભાવ ખર્ચ અને પ્રાકૃતિક કૃષિ કીટ યોજના લાગુ કરી રાજ્યનો ખેડૂત ઝીરો બજેટની ખેતી કરતો થાય એવું નક્કર આયોજન કર્યું છે.
રાજય સરકારે લીધેલા ખેડુતહિતલક્ષી પગલાઓનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન સુરત જિલ્લાના ૪૬ હજારથી વધુ ખેડૂતોને રૂ.૧૭.૬૭ કરોડની કૃષિ યોજનાકીય સહાય આપી છે. જ્યારે જિલ્લા પંચાયતની સ્વ ભંડોળ યોજના હેઠળ ૧૭૦૦ થી વધુ ખેડૂતોને રૂ. ૧.૨૦ કરોડની સહાય ચૂકવાઈ છે. જ્યારે ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા ૧૧૭૪ ખેડૂતો ને રૂ.૮.૮૬ કરોડની ડ્રિપ અને માઈક્રો ઇરિગેશન સહાય આપવામાં આવી છે. કમોસમી વરસાદથી થયેલાં નુકસાનની ભરપાઈ કરવા સુરતના ૬૫,૩૩૪ ખેડૂતોને ૬૩ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
મંત્રીશ્રીએ હાલના ચોમાસાની ઋતુમાં ભારે વરસાદથી રાજ્યમાં જે વિસ્તારમાં ખેતી પાકની નુકસાની થઈ છે તેવા ખેડૂતોને વળતર આપવા માટે સર્વેની કામગીરી પ્રગતિમાં હોવાનું પણ જણાવ્યું હતું.
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુંટુબને એક ગાય માટે નિભાવ ખર્ચ પ્રતિ માસ રૂ.૯૦૦ની મર્યાદામાં અને વાર્ષિક રૂ.૧૦,૮૦૦ની સહાય ચૂકવવામાં આવે છે. આ યોજના હેઠળ રાજય સરકાર દ્વારા રૂ.૬૬.૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો માટે જીવામૃત બનાવવા પ્રાકૃતિક કૃષિ કિટ માં સહાય યોજના અંતર્ગત રાજય સરકાર દ્વારા રૂ.૧૩.૫૦ કરોડની નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500