તાપી જીલ્લાની સરહદ ને અડીને આવેલ મહારાષ્ટ્ર રાજ્યનું નવાપુર બુટલેગરો માટે ફેવરેઈટ સ્પોટ-ઝોન છે. અહીના વિસ્તારમાંથી ખુબજ મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું સુવ્યવસ્થિત ઢબે નેટવર્ક ચાલતું આવ્યું છે, જોકે તાપીના નવા એસપી તરીકે શ્રીમતિ સુજાતા મજમુદારે ચાર્જ સાંભળતા જ બુટલેગરોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. સાથે જ સ્થાનિક પોલીસ પણ કડક કાર્યવાહી કરવા એક્શન મોડ પર છે. જેના કારણે હવે લીસ્ટેડ બુટલેગરો જ એકબીજાની દારૂ ભરેલી ગાડીઓ પકડાવી રહ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
વાત જાણે એમ છે કે, તાપી જીલ્લાના વ્યારા અને બાજીપુરા નેશનલ હાઈવે માર્ગ ઉપર તા.13મી સપ્ટેમ્બર નારોજ નંબર પ્લેટ વિના ની કાળા કાચ વાળી એક સફેદ કલરની સ્કોર્પિયો અને બે સ્વીફ્ટ કાર રોકેટ ગતિએ એક ગ્રે કલરની ઈનોવા ગાડી નંબર જીજે/21/એમ/7022 નો પીછો કરી રહી હોવાના દ્રશ્યો હાઇવે પર સર્જાયા હતા.
જોત જોતામાં સૌભાગ્ય હોટલ નજીક એક સ્કોર્પીયો વાળાએ ઈનોવા ગાડીને ડ્રાયવર સાઈડેથી દબાવતા ઈનોવા હાઇવે વચ્ચેના ડીવાયડર ઉપર ચઢી ગઈ હતી અને પલક ઝબકતા કાળા કાચ અને નંબર વગરની બે સ્વીફ્ટ કાર ત્યાં આવી પહોચી હતી, જેના કારણે હાઇવે પરથી પસાર થતા વાહનોની બ્રેક લાગી ગઈ હતી અને થોડીવાર માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. જોકે કોઈકે ઘટનાની એક ઝલક પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી, હવે તે વીડીયો સોસિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
દારૂ ભરેલી ઈનોવા ગાડી પકડનાર પોલીસ હતી કે પછી બુટલેગરો ???
આસપાસ માંથી લોકો પણ દોડી આવ્યા હતા, નજરે જોનારા સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઈનોવા માંથી એક જણાને પકડી એક ખાનગી ગાડીમાં બેસાડી દેવામાં આવ્યા હતા. ગાડીમાં પાછળ અને વચ્ચેની સીટ ઉપર દારૂ જ દારૂ ભર્યો હતો. ગાડી નજીક લીસ્ટેડ બુટલેગર મન્યો ઉર્ફે મનોજ ચૌધરી અને બારડોલી વિસ્તારમાં રહેતા કેટલાક ફંટરો પણ ઉભા નજરે પડ્યા, ઈનોવાનું એક ટાયર ફાટી ગયું હોવાછતાં કોઈ માણસ બુમો પાડતો હતો કે, “ ચાલે..ચાલે ત્યાં સુધી ગાડી લે.....ચોકી સુધી લે..” આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ઈનોવા ગાડી ફિલ્મી ઢબે પકડનાર પોલીસ હતી કે પછી બુટલેગરો તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
દારૂ ભરેલી ઈનોવા ગાડી વ્યારા-બાજીપુરા વચ્ચે પકડાઈ....
જોકે, દારૂ ભરેલી ઈનોવા ગાડી વ્યારા-બાજીપુરા વચ્ચે પકડાઈ હોવાછતાં અત્યાર સુધી અહીના પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. જેને લઇ લોકોમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. આ સમગ્ર મામલે વધુ તપાસ દરમિયાન બનાવ મહુવા પોલીસ મથકે દાખલ થયો હોવાનું તાપીમિત્ર ની તપાસમાં જાણવા મળ્યું છે. તે અનુસાર સુરત ગ્રામ્ય એલસીબીમાં ફરજબજાવતો હેડકોન્સ્ટેબલ રાજદીપની ફરિયાદના આધારે ઈનોવા ગાડી મહુવા-અનાવલ રોડ પરથી વાંસકુઈ સર્કલ પાસેથી પકડાઈ હોવાનું બતાડવામાં આવ્યું છે. ઈનોવા ગાડીમાં કુલ રૂપિયા 2,19,600/- નો ઈંગ્લીશદારૂ અને ગાડી સાથે કુલ રૂપિયા 6,21,400/- નો મુદ્દામાલ સાથે ચેતન મધુસુદન રાણા રહે, ડીંડોલી-સુરત નો પકડાયો છે, જયારે દમણથી દારૂ ભરી આપનાર રાજેશ અને દારૂ મંગાવનાર કામરેજ નો બદ્રી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી હોય તો કાબિલે તારીફ..
જો આ સમગ્ર કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી હોય તો કાબિલે તારીફ છે પરંતુ વ્યારા-બાજીપુરા હાઇવે પર ઈનોવા પાસે નંબર પ્લેટ વિના ની એક સ્કોર્પિયો, બે સ્વીફ્ટ કાર અને બુટલેગરો શું કરી રહ્યા હતા ?? કાળા કાચ વાળી બે કારમાં આવેલા માણસો કોણ હતા ?? બુટલેગર સાથે મળી શું કરી રહ્યા હતા ?? તે પણ એક તપાસનો વિષય બન્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500