અનલોકના સમયમાં વિવિધ ફેકટરીઓ, દુકાનો, સંસ્થાનો ધીમે ધીમે સામાન્ય રીતે ખુલી રહ્યા છે . આંતરરાજ્યના સ્થળાંતરિત શ્રમિકો ગુજરાત રાજ્યમાં પરત ફરી રહ્યા છે. આવા સમયે રાજ્યમાં કોરોના મહામારીનો વ્યાપ ન વધે તે માટે ગૃહ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકા અનુસાર સુરત જીલ્લા મેજીસ્ટ્રેટ ડો.ધવલ પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામામાં અનુસાર નોકરીદાતાઓએ ફેકટરી/દુકાન/સંસ્થામાં પરત ફરતા કામદારોનો કોવિડ-19 પરિક્ષણ કરાવી, ખર્ચ ભોગવવાનો રહેશે. કોઈ કામદારમાં કોવિડ-19 ના લક્ષણો જણાય, તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ અનુસાર ક્વોરન્ટાઈન કરવાના રહેશે. ક્વોરન્ટાઈન કરાયેલા કામદારોનું હેલ્થ સ્ક્રીનીંગ કરાવી એન્ટીજન ટેસ્ટ કરી નિયત Annexure-A મુજબ રેકર્ડ રાખવું અને Annexure-Bમાં જિલ્લા વહીવટી તંત્રને માહિતી પૂરી પાડવાની રહેશે.
નોકરીદાતાએ તમામ કામદારોના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવવાની રહેશે.ફેક્ટરી/સંસ્થામાં વિવિધ સ્થળોએ પૂરતા પ્રમાણમાં સેનિટાઇઝર અને સાબુની વ્યવસ્થા કરવાની રહેશે. ફેક્ટરી/સંસ્થામાં બહુવિધ પાળીમાં કાર્ય ચાલતું હોય તો કામદારોને દરેક પાળી પહેલા સ્ક્રીનીંગ કરવાનું રહેશે અને તેમનો રેકોર્ડ રાખવાનો રહેશે.
દરેક ઉદ્યોગ/ સંસ્થાના માલિકે બહારથી કામ પર પરત ફરતા કામદારનો એન્ટીબોડી ટેસ્ટ ફરજીયાત કરવાનો રહેશે જેની વ્યવસ્થા માલિકે પોતાના ખર્ચે કરવાની રહેશે. દરેક કામદારનું તાપમાન થર્મલ સ્ક્રીનીંગ ગન મારફતે ICMRની ગાઇડ લાઇન મુજબ દિવસમાં બે વાર (દિવસની શરૂઆત અને અંતમાં) માપવાનું રહેશે. ફેકટરીના દરેક કામદારનું ઓકસીજન લેવલ પલ્સ ઓકસીમીટર મારફતે તપાસવાનું રહેશે અને કોઇપણ કામદારનું ઓકસીજન લેવલ ૯૪ થી નીચે ન હોય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. જે કામદારનું ઓકસીજન લેવલ ૯૪ થી નીચે હોય તેને ટર્સરી હેલ્થ સેન્ટરમાં તપાસ અર્થે અચૂક મોકલવાના રહેશે.
એન્ટીબોડીની હાજરી ધરાવતા અને શરીરનું તાપમાન(તાવ) વધારે હોય, ઓકસીજન સેચ્યુરેશન નિયત મર્યાદામાં હોય તેવા કામદાર ફરજ પર જોડાય શકશે પરંતુ જે કામદારોમાં એન્ટીબોડીની હાજરી ન હોય તેઓની તપાસ એન્ટીજન ટેસ્ટ મારફતે કરવાની રહેશે અથવા સાત દિવસ માટે ક્વોરન્ટાઈન થવાનું રહેશે. ટેસ્ટ અને ક્વોરન્ટાઈન સેન્ટર ઉભા કરવા/નિભાવવાની જરૂરી વ્યવસ્થા માલિકે ખર્ચે કરવાની રહેશે.
જે કામદારોમાં કોઇ લક્ષણો ઉકત ક્વોરન્ટાઈન સમયગાળા દરમ્યાન જણાય નહી તેઓ નિશ્ચિત ક્વોરન્ટાઈન સમયગાળો પૂર્ણ કર્યા બાદ ફરજ ઉપર જોડાઇ શકશે. અને લક્ષણો જણાય/ઉદ્દભવે તો તેઓનો એન્ટીજન ટેસ્ટ કરવાનો રહેશે ટેસ્ટ કરવાની જરૂરી વ્યવસ્થા માલિકે તેઓના ખર્ચે કરવાની રહેશે.
એન્ટીજન ટેસ્ટમાં જે કામદાર પોઝીટીવ ન આવે પણ લક્ષણો ધરાવતા હોય તો તેઓનો RT-PCR ટેસ્ટ કરવાનો રહેશે. જો ટેસ્ટ પોઝીટીવ આવે તો તેઓને તાત્કાલિક અન્ય કામદારોથી આઇસોલેટ કરીને સરકારી તબીબી હેલ્પ લાઇન “૧૦૪” મારફતે સારવાર અર્થે મોકલવાના રહેશે.
ફેકટરી/સંસ્થાના નોટિસ બોર્ડ પર કોવિડ-19ના સંક્રમણને અટકાવવા માટે રાખવાની તકેદારી અંગેની જરૂરી માહિતી, હેલ્પલાઇન નંબર વિગેરે પ્રદર્શિત કરવાની રહેશે. નોકરીદાતાએ ફેકટરી/સંસ્થાન પરિસરમાં તમામ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત કરવાનું રહેશે. જે ફેકટરી/સંસ્થાનમાં કેન્ટીન આવેલ હોય ત્યાં કેન્ટિન સ્ટાફના સ્ક્રીનીંગ અંગે ખાસ ધ્યાન આપવાનું રહેશે.
આ માર્ગદર્શિકા અસંગઠિત કર્મચારીઓ અને રહેણાંક મંડળની સમિતિઓને પણ લાગુ પડશે. નોકરીદાતા જો આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા માલુમ પડશે, તો નોકરીદાતા વિરૂધ્ધ સક્ષમ અધિકારી દ્વારા આઇ.પી.સી.ની કલમ 188 મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તથા સંબંધિત સરકારી અધિકારીઓ દ્વારા ફેક્ટરી/સંસ્થાન બંધ કરવામાં આવશે, એમ જાહેરનામામાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application