કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા વિવિધ જિલ્લાઓમાં તા.૦૧ થી ૩૦મી સપ્ટેમ્બર દરમિયાન “રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦” ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ખેડુતલક્ષી વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. માંડવી તાલુકાના પરવટ ગામે ખેડૂત ભાઈ-બહેનો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના જુદા જુદા વિષયના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પરવટ ગામના ૬૦ ખેડૂત ભાઈ-બહેનોને ખેતી વિશે વિસ્તુત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.જનકસિંહ રાઠોડે ખેતીમાં આવક વધારવા વિવિધ પગલાઓ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. તેમજ કૃષિ વૈજ્ઞાનિક ડો. રાકેશ કે.પટેલે પરવટ ગામનાં મુખ્ય ખેતી પાકો ડાંગર, જુવાર, તુવેર, મગફળી, અડદ, સોયાબીન, તથા શાકભાજીમાં નુકસાન કરતી જીવાતો, તેના નિયંત્રણ અને વ્યવસ્થાપન બાબતે ઉડાણપૂર્વક માહિતી આપી હતી. તેમને સજીવ ખેતીમાં પણ જીવાત નિયંત્રણ, જૈવિક ખાતર, દવાના ઉપયોગ વિશે ખેડૂતોને વિસ્તુત સમજ આપી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.સેહુલ ચાવડાએ વિવિધ પાકોમાં રોગ નિયંત્રણ વિશે ખેડૂતોને માહિતીગાર કર્યા હતા. પ્રો. એસ. જે. ત્રિવેદીએ સંકલીત ખાતર વ્યવસ્થાપન, નિંદામણ નિયંત્રણ વિશે માહિતી આપી હતી. શ્રીમતી ભક્તિ પંચાલે શાકભાજી પાકોની ખેતી પદ્ધતિ દ્વારા આવક વૃદ્ધિ બાબતે ખેડૂત ભાઈ- બહેનો સાથે ચર્ચા કરી હતી. શ્રીમતી ગીતા ભીમાણીએ આ ચર્ચામાં વિવિધ વાનગીઓ થકી પોષણ મેળવવા પર ભાર મુક્યો હતો. ખેતીને લગતા રજુ થયેલા પ્રશ્નો સંદર્ભે વિસ્તૃત ચર્ચાઓ થઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500