Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી તા.૨૧મી સપ્ટેમ્બરથી યોજાશે

  • September 10, 2020 

આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના અધ્યક્ષપદે મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયની મીડિયાને માહિતી આપતા મંત્રી શ્રી જાડેજાએ ઉમેર્યું કે, તા. 21મી સપ્ટેમ્બરે વિધાનસભાના ચોમાસુ સત્રનો શુભારંભ થશે જેમાં પ્રથમ દિવસે જ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના નિધન સંદર્ભે શોક પ્રસ્તાવ રજૂ કર્યા બાદ ગૃહ મોકુફ રખાશે અને ત્યારબાદ તે જ દિવસે બીજી બેઠકમાં ગૃહની આગળની કાર્યવાહી હાથ ધરાશે. 

 

આ વિધાનસભાનું સત્ર ઐતિહાસિક બની રહેશે કેમકે, નાગરિકોના હિત-સલામતી માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણય કર્યા છે. જેના વિધેયક અને સુધારાઓ રજૂ કરવામાં આવશે. જેમાં ગુંડા ધારો, લેન્ડ ગ્રેબિંગ એકટ, પાસા એક્ટમાં સુધારો, મહેસૂલી સેવાના કાયદામાં સુધારા સંદર્ભે જે વટહુકમ બહાર પાડ્યા છે એને કાયદાનું સ્વરૂપ આપવા માટે વિધાનસભામાં આ વિધેયકો લવાશે અને પસાર કરાશે.

 

આ કોરોના કાળમાં રાજ્ય સરકારના ઉચ્ચ સનદી અધિકારીઓને વિવિધ જિલ્લાઓની સંકલન કામગીરી સોપવામાં આવી છે તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ કોરોનાની કામગીરીમાં સંકળાયેલ હોઈ, પ્રશ્નોત્તરીકાળ ન રાખવા વિધાનસભાના અધ્યક્ષશ્રીને મુખ્યમંત્રીશ્રી દ્વારા રજૂઆત કરાઈ હતી. જેને અધ્યક્ષશ્રીએ માન્ય રાખીને પ્રશ્નોત્તરીકાળ રદ કરવાનો પણ નિર્ણય કર્યો છે. એટલે હવે પાંચ દિવસના આ સત્રમાં પ્રશ્નોત્તરીકાળ રહેશે નહીં પરંતુ અગત્યની કે તાકીદની કોઈ બાબત હોય તો તે સંદર્ભે અધ્યક્ષશ્રી દ્વારા ટૂંકી મુદતના પ્રશ્નો સમાવેશ કરવાનો પણ નિર્ણય કરાયો છે તેમ તેમણે ઉમેર્યું હતુ.

 

ચોમાસાના સત્ર માટે પૂરતો સમય ફાળવાયો છે જેમાં ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજુ કરી શકશે અને રાજ્ય સરકારે કરેલી કામગીરીનું પણ પ્રજા સુધી પહોંચાડવા માટે મંત્રીઓ દ્વારા પ્રયાસો કરાશે. રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિ દરમિયાન જે અધિકારી-કર્મચારીઓએ શ્રેષ્ઠ કામગીરી કરી છે તેવા કોરોના વોરિયર્સની કામગીરીની જાણકારી અપાશે. 


કોરોનાનું સંક્રમણ અટકે અને વધુ ન ફેલાય તે માટે તમામ ધારાસભ્યશ્રીઓ દ્વારા તેમના વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે ત્યારે, સત્ર દરમિયાન સંકમણ ન થાય એ માટે મુખ્યમંત્રીશ્રી સહિત મંત્રીમંડળના સભ્યશ્રીઓ, તમામ ધારાસભ્યશ્રીઓ, તમામ અધિકારીશ્રીઓ, સલામતી અધિકારીશ્રીઓ, વિધાનસભાનો તમામ સ્ટાફ, મીડિયાના મિત્રો તથા સેવકોના કોરોનાનો ટેસ્ટ કર્યા બાદ જ વિધાનસભામાં પ્રવેશ આપવાનો અધ્યક્ષશ્રી દ્વારા નિર્ણય કરાયો છે. એટલું જ નહીં ગૃહની કામગીરી દરમિયાન યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય એવી પણ પૂરેપૂરી તકેદારી રખાશે. પ્રેક્ષક દિર્ઘામાં પણ ધારાસભ્યોશ્રીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવાનું આયોજન અધ્યક્ષશ્રી દ્વારા કરાયું છે..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application