રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-૨૦૧૧ હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જે હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકું કે નીકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે.
રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નીકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે નિર્ણય કરેલ. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં સિગારેટ તથા તમાકુ કે નીકોટીનની હાજરી હોય તેવા પદાર્થોનું વેચાણ કરવા માટે પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા સખત રીતે કરાઇ રહેલ છે. આ બાબતે છેલ્લા ત્રણ વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે ૧૦ હજાર પેઢીઓની તપાસ કરી આશરે રૂ. ૧૧ લાખ જેટલો દંડ વસુલાત કરવામાં આવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500