ઉધના દરવાજાથી ભેસ્તાન રૂટ પર દોડતી બી.આર.ટી.એસ.ની બસોના ડ્રાઇવરોએ પગાર મુદ્દે કોન્ટ્રાકટરને રજુઆત કરતા ઉલ્ટાનું કોન્ટ્રાકટરે તેઓને નોકરી પરથી કાઢી મુક્યા હતા. જેને લઇને ૪૦થી વધુ ડ્રાઇવરોએ ભેસ્તાન બી.આર.ટી.એસ.ના વર્કશોપની બહાર વિરોધ નોધાવતા કોન્ટ્રાકટરે પોલીસ બોલાવવાની ધમકી આપી તેઓને ત્યાંથી હાકી કાઢ્યા છે.
સુરત મહાનગર પાલિકા સંચાલિત બી.આર.ટી.એસ. બસોમાં કોન્ટ્રાકટર પર ડ્રાઇવરો નોકરી કરી રહ્ના છે. ઉધના ભેસ્તાન રૂટ પર દોડતી બસોમાં પ્રસન્ના પર્પલ કંપની દ્વારા ડ્રાઇવરો મુકવામાં આવ્યા છે. આ ડ્રાઇવરો કોન્ટ્રાકટર હેઠળ નોકરી કરી રહ્ના છે. કોરોના વાયરસના કારણે કોન્ટ્રાકટર દ્વારા ડ્રાઇવરોના પગાર પર કાપ મુકવામાં આવ્યો હતો. ૮ કલાકની જગ્યા પર ૧૬ કલાક નોકરી કરવામાં આવી હતી. લોકડાઉન અને કોરોના વાયરસના કારણે ડ્રાઇવરોએ પણ કંપનીના આદેશ પ્રમાણે કામ શરૂ રાખ્યુ હતુ. પણ હવે બધુ ખુલી ગયા પછી કંપનીના મેનેજર કદમને ડ્રાઇવરોએ રજુઆત કરતા બાંહેધરી આપી હતી કે રાબેતા મુજબ બસો ચાલુ થઇ જશે તો તેમને તેમનો રેગ્યુલર પગાર અને વીકલી ઓફ પણ આપવામાં આવશે. પરંતુ ડ્રાઇવરોની માંગણી કંપની દ્વારા સંતોષવામાં ન આવતા પાંચ દિવસ પહેલાં ૪૦ થી વધુ ડ્રાઇવરોએ ફરીથી રજુઆત કરી હતી. ત્યારે કંપની દ્વારા તેમને નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યા હતા.
બુધવારે ફરીથી રજુઆત કરવા ગયા હતા. ત્યાં ડ્રાઇવરોએ જણાવ્યુ હતુ કે કોરોના વાયરસના કારણે તેમનો ત્રણ મહિના સુધી અડધો પગારની સાથે ૧૬ કલાક નોકરી કરી છે. હવે બધુ ખુલી ગયા પછી બેઝીક પગાર , ઇન્સેટીવ , નોકરીના ૮ કલાક સાથે વિકલી ઓફની માંગ કરવામાં આવી હતી. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા તેમને ના પાડી નવા ડ્રાઇવરો મુકી દેવામાં આવશે તેમ કહી તેમને ગેટમાંથી બહાર કાઢી મુકયા હતા. ત્યાં ૪૦થી વધુ ડ્રાઇવરોએ વિરોધ નોધાવતા કોન્ટ્રાકટરે પોલીસ બોલાવવાની ધમકી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500