સુરતમાં પુર,પ્લેગ કે અન્ય કોઈ પણ આફત હોય પરંતુ ગણેશોત્સવ સુરતીઓ ભારેધામ ધુમથી ઉજવણી કરે છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે પહેલી વાર સુરતના ઈતિહાસમાં ધામધુમ વિના શ્રીજી વિસર્જન કરવામાં આવ્યું હતું. સુરતના રસ્તા પર પહેલી વાર શ્રીજી વિસર્જન યાત્રા નિકળવાના બદલે લોકોએ ઘર આંગણે જ ભક્તિભાવ પુર્વક શ્રીજીની પ્રતિમાને વિસર્જન કરી સુરતમાંથી કોરોના વિદાય લે તેવી પ્રાર્થના કરી હતી. આમ લોકોએ ૧૦ દિવસ ગણેશજીની પુજા અર્ચના કર્યા બાદ અશ્રુભીની આંખે બાપાને વિદાય આપી હતી. કોરોના વાયરસના કારણે લોકોએ ઢોલ નગારાના બદલે ઘરોમાં જ બાપાને વિસર્જન કર્યા હતા.
સુરતમાં ગણેશોત્સવમાં ૬૫,૦૦૦થી વધુ શ્રીજીની પ્રતિમાનું સ્થાપન થાય છે અને ધામધુમ પુર્વક શ્રીજીની વિસર્જન યાત્રા સુરતના જુદા- જુદા રૂટ ઉપર કાઢવામાં આવે છે. જોકે, આ વખતે કોરોનાના કારણે સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન થયું ન હતું પરંતુ શ્રધ્ધાળુઓએ પોતાના ઘરમાં જ ૩૫,૦૦૦ની આસપાસ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી હતી. ૧૦-૧૦ દિવસથી બાપાની શ્રધ્ધા પુર્વક ભક્તિ અને પુજા કર્યા બાદ પોતાના ઘરમાં જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે તંત્રએ શ્રીજીની વિસર્જન યાત્રા પર પ્રતિબંધ મુક્યો છે.
આ ઉપરાંત મ્યુનિ. તંત્રએ આ વખતે વિસર્જન માટે કૃત્રિમ તળાવ પણ બનાવ્યા નથી અને તાપી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ છે. પોલીસે તમામ ઓવારા પર બંદોબસ્ત ગોઠવીને વિસર્જન ન થાય તે માટેની તકેદારી રાખી છે. આવા ચુસ્ત બંદોબસ્ત અને તંત્ર સાથે ઘર્ણષ ન થાય તે માટે ગણેશ ભક્તોએ શ્રજીની પ્રતિમાનું ઘરમાં જ વિસર્જન કર્યું હતું. કોરોના ન હતો ત્યારે ગણેશ વિસર્જન સુરતમાં સૌથી મોટો ઉત્સવ બની રહે છે. વિસર્જન યાત્રાના કારણે શહેરના રસ્તાઓ પણ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવે છે. પાલિકા તંત્ર, પોલીસ તંત્ર તથા અન્ય સરકારી વિભાગ સાથે સેવાભાવી સંસ્થાઓ ગણેશ વિસર્જનમાં મોડી રાત સુધી કામગીરી કરતા હોય છે.
પરંતુ પહેલી વાર સુરતમાં કોઈ પણ જાતના ઢોલ નગારા કે, સરઘસ વિના જ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું જે ફિક્કુ જોવા મળ્યુ હતુ. ગણેશ ભક્તોએ બાપાને શ્રધ્ધા પુર્વક અને ભાવ પુર્વક ભીની આંખે વિદાય આપવા સાથે કોરોનાની પણ સુરતમાંથી વિદાય થાય તેવી પ્રાર્થના કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500