Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુશળધાર વરસાદને કારણે ભૂસ્ખલન, આભ ફાટવા, મકાન ધરાશાયી થવા, વૃક્ષો પડવા અને વીજળી પડવા જેવી ઘટનાઓથી 34 લોકોના મોત

  • July 10, 2023 

ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં છેલ્લાં બે દિવસથી પડી રહેલાં વરસાદને કારણે ૨૩ જણનાં મૃત્યુ થયા છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. આઈએમડીએ દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.


દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવારે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. દિલ્હીમાં ૨૪ કલાકમાં ૧૫૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જે ૧૯૮૨ પછી જુલાઈમાં એક દિવસમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. આ વરસાદે ૪૧ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો.દિલ્હીમાં એક ૫૮ વર્ષની મહિલાના ફલેટની છત તૂટી પડવાથી તેનું મૃત્યુ થયું હતું, જ્યારે રાજસ્થાનમાં વરસાદને કારણે ચાર લોકોનાં મૃત્યુ થયા હતા.


ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં રવિવારે સવારે એક ઘર તૂટી પડતાં એક મહિલા અને તેની છ વર્ષની પુત્રીનું મૃત્યુ થયું હતું.આવી જ એક ઘટનામાં હિમાચલ પ્રદેશના સિમલામાં એક કુટુંબના ત્રણ લોકોનાં મૃત્યુ થયા હતા. જમ્મુ-કાશ્મીરનાં પૂંચ જિલ્લામાં શનિવારે આવેલાં અચાનક પૂરને કારણે સેનાનાં બે જવાનો તણાઈ જતાં તેમનાં મૃત્યુ થયા હતા.


જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં જમીન ધસી પડી હતી અને તે એક પેસેન્જર બસ પર પડતાં બે જણા માર્યા ગયા હતા. આ બસ થાથરી-ગેન્ડોહ માર્ગ પર આવેલાં ભાંગરુ ગામમાંથી પસાર થઈ રહી હતી ત્યારે જ લેન્ડસ્લાઈડ થતાં બે ઉતારુઓ માર્યા ગયા હતા અને બીજાં ફસાયેલાં ઉતારુઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં વીજળી ત્રાટકતાં બે જણા માર્યા ગયા હતા અને ત્રણ જણાને ઈજા થઈ હતી.


આઈએમડીએ હિમાચલ પ્રદેશના સાત જિલ્લા માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હિમાચલમાં અનેક સ્થળે ભૂસ્ખલનને કારણે માર્ગ બધ થઈ ગયા છે. હરિયાણા અને પંજાબમાં તેમ જ ચંડીગઢમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.હિમાચલ પ્રદેશમાં બિયાસ નદીમાં જળસ્તર વધી જતાં તેણે ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે. તેમાં નદી પરનો એક પુલ પ્રવાહમાં વહી ગયો હતો. નદી કિનારે આવેલી કેટલીક દુકાનો પણ પૂરના પાણીમાં સમાઈ ગઈ હતી અને નદીમાં ફસાયેલાં પાંચ લોકોને એનડીઆરએફની ટીમે બચાવ્યા હતા.


કાશ્મીર ખીણ પ્રદેશમાં ઝેલમ નદીના જળસ્તરમાં અનેક સ્થળે વધારો થતાં નદી કાંઠે રહેનારા લોકોને ચેતવવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ ઝેલમમાં પૂર આવ્યાનું જાહેર કરવું પડે એવી સ્થિતિ નિર્માણ થઈ છે. જમ્મુના સાંબા અને કથુઆ જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે.સિમલા નજીક ૧૪ સ્થળે ભેખડો ધસી પડી છે અને ૧૩ સ્થળે અચાનક પૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. અહીં છેલ્લા ૩૬ કલાકમાં ૭૦૦ જેટલાં માર્ગો બંધ કરવામાં આવ્યા છે, એમ રાજ્યના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી જણાવવામાં આવ્યું હતું.મનાલીમાં ઘરો નદીમાં તૂટી પડ્યા હોવાના અહેવાલ છે, તો કુલ્લુમાં આવેલાં અચાનક પૂરનાં અનેક વાહનો તણાઈ ગયા હતા. આવી જ પરિસ્થિતિ ક્ધિનોર અને ચંબા જિલ્લામાં નોંધાઈ હતી.


હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખ્ખુએ વરસાદને કારણે માર્યા ગયેલાં લોકો પ્રત્યે દિલસોજી દાખવી હતી અને જિલ્લા વહીવટીતંત્રને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય આપવાનું જણાવ્યું હતું.યુનેસ્કોની હેરિટેજ યાદીમાં સ્થાન ધરાવનારી સિમલા-કાલ્કા ટ્રેન ભારે વરસાદને પગલે જમીન ધસી પડતાં અને રેલવે ટ્રેક પર ઝાડ પડવાને કારણે બંધ કરી દેવામાં આવી હતી.


બિલાસપુરના નાંગલ બંધમાં ૨૮૨.૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે દેહરા-ગોપીપુરમાં ૧૭૫.૪ મિ.મી., ઉનામાં ૧૬૬.૨ મિ.મી., ચંબામાં ૧૪૬૫ મિ.મી., ડેલહાઉસીમાં ૧૪૩ મિ.મી., નહાન અને મનાલીમાં ૧૩૧.૨ મિ.મી., બિલાસપુરમાં ૧૩૦ મિ.મી., ધરમશાલામાં ૧૨૬.૪ મિ.મી., ગોંદલામાં ૧૧૨ મિ.મી., કાંગડામાં ૧૦૮ મિ.મી., સોલાનમાં ૧૦૭ મિ.મી., ભુંતરમાં ૧૦૧ મિ.મી., પાલનપુરમાં ૯૪ મિ.મી., નરકંડામાં ૮૮ મિ.મી., મંડીમાં ૮૦ મિ.મી., સિમલામાં ૭૯.૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો.દિલ્હી નજીક યમુનાના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને મંગળવાર સુધીમાં તે ૨૦૫.૩૩ મીટરની જોખમી સપાટી વટાવી જાય તેવી શક્યતા છે.પંજાબ અને હરિયાણાના પાટનગર ચંડીગઢમાં રવિવારે પૂરાં થયેલાં ૨૪ કલાકમાં ૩૦૨.૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News