Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જીએસટી,કેન્દ્ર સરકાર પાસેથી તમામ રાજ્યોને લેવાના થતા વળતર સંદર્ભે બે વિકલ્પો અપાયા

  • August 28, 2020 

નાયબ મુખ્યમંત્રી શ્રી અને નાણાંમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, દેશમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે લોકડાઉન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થયો છે. અનલોક થતાં વેપાર ઉદ્યોગ ધીમે ધીમે પૂર્વવત થઇ રહ્યો છે એવા સંજોગોમાં G.S.T. કાયદા અંતર્ગત કેન્દ્ર સરકાર પાસેથી તમામ રાજયોને લેવાનું થતું વળતર કેન્દ્ર સરકાર લોન લઇને ચૂકવી આપે એવું સૂચન મોટા ભાગના રાજ્યોએ કર્યુ છે.

 

આજે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમનની ઉપસ્થિતિમાં યોજાયેલી G.S.T. કાઉન્સીલની બેઠકમાં સહભાગી થતાં નાયબ મુખ્યમંત્રી શ્રી પટેલે ઉમેર્યુ કે, તમામ રાજ્યોની વળતર મેળવવા સંદર્ભે રજૂઆત હતી કે કેન્દ્ર સરકાર આ માટે લોન મેળવે અને લોનની રકમ આવે એ રકમ વિવિધ રાજયોને ચૂકવી આપે અને લોનની રકમ તથા વ્યાજ સેસની રકમમાંથી ચૂકવવા માટે એક સૂરથી તમામ રાજ્યોએ કહ્યું હતું અને સેસ ઉઘરાવવાની મુદત પણ જરૂર જણાય તો લંબાવવા માટે જણાવ્યું હતું.

 

શ્રી પટેલે કહ્યું કે જીએસટીનું વળતર રાજ્ય એક સાથે તમામ રકમ મેળવવા માગતા હોય તો તે માટે કેન્દ્ર દ્વારા બે સૂચન કરાયા છે. જેમાં મંદીના કારણે આવક ઓછી થઈ હોય અને કોરોનાના કારણે આવક ઓછી થઈ હોય તો તે અંગે તમામ રાજ્યો પાછળથી વિચારીને અભિપ્રાય આપે એ જરૂરી છે.

 

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારના મહેસુલ સચિવ શ્રી દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. જેમાં ઇન્કમટેક્ષ અને મહેસૂલી આવકમાં ઘટાડો થયો છે એવું સ્પષ્ટ જણાવ્યું હતું. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજયોને બે દિવસમાં વિકલ્પ મોકલી અપાશે. એટલે જે તે રાજ્યો તેમની વસતી અને ખર્ચ મુજબ પોતાનો મત રજૂ કરશે. આગામી સાત દિવસમાં તમામ રાજ્યોએ પોતાનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ G.S.T. કાઉન્સિલ એ વિકલ્પનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ રાજ્યોને સહાય આપવાનો યોગ્ય નિર્ણય કરશે.

 

શ્રી પટેલે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજયોને વળતર પેટે અંદાજે રૂ. ૩ લાખ કરોડ જેટલી રકમ આવનાર સમયમાં વળતર પેટે વિવિધ રાજયોને આપવાની થાય છે. ગુજરાતને પણ રૂ. ૧૨ હજાર કરોડનું વળતર લેવાનું થાય છે. આ સંદર્ભે કાઉન્સિલે સૂચવ્યા મુજબ રાજ્યના નાણા સચિવ અને જીએસટીના ચીફ કમિશનરશ્રી સાથે પરામર્શ કર્યા બાદ ગુજરાત સરકારે કયો વિકલ્પ આપવો એ અંગે નિર્ણય કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application