ભટાર વિસ્તારમાં ચાર રસ્તા નજીક આવેલી સાંઈનાથ ઈન્ડસ્ટ્રીઝ સોસાયટીના કારખાનામાં બીજા માળે લાગેલી આગથી આસપાસમાં ભાગદોડ મચી ગઈ હતી. રાહદારીઓએ ફોન કરી જાણ કરતાં ફાયર, પોલીસ અને વીજ કંપનીની ત્રણેય પાંખો ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરબ્રિગેડે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો હતો. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભટાર ચાર રસ્તા નજીક સાંઇનાથ ઇન્ડસ્ટ્રીઝમાં ફર્નિચરનું કારખાનું આવેલુ છે. તેના માલિક રામદેવ સુથાર છે. સવારે પોણા નવ વાગ્યાના અરસામાં અચાનક જ શોર્ટ સર્કીટથી આગ ફાટી નિકળતા ભાગદોડ મચી ગઇ હતી. નીચે કાચનું અને બીજા માળે ફર્નિચરનું કારખાનું ચાર મહિનાથી બંધ હતું. જોકે લાકડાના સામાનને લઈ આગ ઉગ્ર બની હોય એમ કહી શકાય છે. બાજુની સોસાયટીમાં રહેતા દિનેશભાઇ પટેલ નામના વ્યક્તિની નજર પડ્યા બાદ એણે માનવતાના ધોરણે ફોન કર્યા હતાં.
દિનેશભાઈએ જણાવ્યું હતું કે, બાજુની સોસાયટીમાં ૧૦૦ મીટરના અંતરે જ આગ લાગી હતી. જેને લઈ કોઈ મોટી દુર્ઘટના ન થાય એટલે તમામને જાણ કરી હું કામે ચાલી ગયો હતો. કારખાનું જરીવાળાભાઈનું હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવા પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. જોકે હાલ પોલીસ પણ તપાસ કરી રહી છે. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી આવ્યા બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણે ફર્નિચરને નુકશાન થયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500