Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડની યુવતીને તલાટી-કમ-મંત્રીની ભરતીમાં પોતાનું સેટિંગ હોવાનો ઝાંસો આપીને છેતરપિંડી કરનારા આરોપી ઝડપાયો

  • March 28, 2025 

વલસાડના મોગરાવાડીની ગરજાઉ યુવતીને ભાવનગરના ઠગભગતે તલાટી-કમ-મંત્રીની ભરતીમાં પોતાનું સેટિંગ હોવાનો ઝાંસો આપીને કુલ રૂપિયા બે લાખ પંચાવન હજારથી વધુની રકમ પડાવી લીધા બાદ નોકરી નહીં અપાવી બાકીના નાણાં નહીં ચૂકવી યુવતી સાથે છેતરપિંડી કરી હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપીને સિટી પોલીસે ભવનગર વિસ્તારમાંથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.


વલસાડના મોગરાવાડીમાં આવેલી બાળકૃષ્ણ રેસિડન્સી બી-વિંગના ફ્લેટ નંબર ૪૯૨માં રહેતી દીપ્તિબેન ગુલાબચંદ્ર કોરી હાલમાં ખાનગી બેંકમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ મુજબ છેલ્લા ૮ માસથી ફરજ બજાવે છે. એસવાયબીકોમ સુધીનો અભ્યાસ કરનાર દીપ્તિબેન ૨૦૧૯થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે. ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી દીપ્તિબેન ભગીરથસિંહ ઇન્દુભા ગોહિલ (રહે. દરબાર સ્ટ્રીટ, ખાંટાડી ભાવનગર) નામના યુવાનના સંપર્કમાં ફેબ્રુઆરી ૨૦૨૩માં આવી હતી. ભગીરથસિંહે દીપ્તિબેનને સરકારી નોકરી મેળવવામાં મદદ કરવાનો ઝાંસો આપ્યો હતો. ભગીરથસિંહે તલાટી કમ મંત્રીની ભરતી પ્રક્રિયા ચાલુ હોવાનું અને ભરતીમાં તેનું સેટિંગ હોવાનું જણાવતા, દીપ્તિબેનને ભગીરથસિંહે નોકરી મેળવવા રૂપિયા આપવા પડશે તેવું જણાવ્યું હતું. દીપ્તિબેને ભગીરથસિંહના ખાતામાં રૂપિયા બે લાખ પંચાવન હજાર છસ્સો ની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.


દીપ્તિબેને બીલીમોરા ખાતે લેવાયેલી તલાટી કમ મંત્રીની પરીક્ષા પણ આપી હતી. જે પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં દીપ્તિબેન નાપાસ થઈ હોવાનું રિઝલ્ટ આવ્યું હતું. દીપ્તિબેનને શંકા જતા તેણીએ ભગીરથસિંહ ગોહિલ પાસેથી તેના નાણાં પરત કરવાની માગણી કરતા, ભગીરથસિંહ ગોહિલે રૂપિયા બે લાખ પંચાવન હજાર છસ્સો પૈકીના રૂપિયા ૪૫ હજાર જેટલી રકમ પરત પણ આપી હતી. બાકી નીકળતા રૂપિયા નહિ આપી છેતરપિંડી કરી હતી. જે બાબતે દીપ્તિબેને સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સિટી પોલીસે યુવતી સાથે છેતરપિંડી કરનારા આરોપી ભગીરથસિંહ ગોહિલની ભાવનગર ખાતેથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application