શહેરમાં સક્રિય થયેલી તસ્કર ટોળકીએ બે દિવસ અગાઉ અટલ આશ્રમમાં ચોરીનો કસબ અજમાવ્યા બાદ ગત રાત્રે અડાજણ,એલ.પી. સવાણી સ્કુલ નજીક સોમેશ્વર મહાદેવ મંદિરને પણ નિશાન બનાવી બે દાન પેટી અને તાંબાના લોટા મળી રૂ. ૨૨૦૦ની મત્તા ચોરીને ફરાર થઇ ગયા હતા.
શહેરના અડાજણ વિસ્તારમાં સક્રિય થયેલી તસ્કર ટોળકીએ પાલ પાટિયા નજીક અટલ આશ્રમમાં ચપ્પુ સાથે ઘસી જઇ ચાર દાન પેટીની ચોરીનો કસબ અજમાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી અને તેના આધારે પોલીસે ચોરની શોધખોળ આદરી છે.
પરંતુ હજી સુધી ચોર પોલીસના હાથમાં આવ્યા નથી ત્યાં વળી ચોર ટોળકીએ વધુ એક મંદિરને નિશાન બનાવ્યું છે. અડાજણ એલ.પી. સવાણી સ્કુલ નજીક સીએનજી સ્ટેશનની પાછળ આવેલા સોમેશ્વર મહાદેવ મંદિરના પાછળના ભાગે બારીની ગ્રીલ કાપી અંદર પ્રવેશી તાંબાના બે લોટા અને બે દાન પેટી તોડીને ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે મંદિરના પૂજારી અભિષેક નંદકિશોર જોષીએ પોલીસને જાણ કરી હતી. ચોર ટોળકીએ માત્ર સોમેશ્વર મંદિર જ નહીં પરંતુ મંદિરની સામે આવેલા સુંદરમ કોમ્પેલક્ષમાં તુલસી ડેરી નામની દુકાનના પણ શટર તોડી ચોરીનો કસબ અજમાવ્યો હતો. ઘટના અંગે અડાજણ પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500