સુરત શહેરમાં પસાર થતી પાંચ ખાડીઓના લેવલ ફરીથી વધી જતાં તંત્રમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. ખાસ કરીને મિઠીખાડી અને ભેદવાડ ખાડી ઓવર ફલો થતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને ભેદવાડ ખાડીની આજુબાજુના વિસ્તારોમાં કમર સુધીના પાણી ભરાઇ જતાં ફાયરની બોટો ફરતી થઇ ગઇ છે. ફસાયેલા લોકોને બહાર કાઢી સહી સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકા દ્વારા અસર ગ્રસ્તોને ફુડ પેકેટ અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ખાડી પુર અને વરસાદના કારણે ઉધના નવસારી રોડ પર ટ્રાફીકજામની સમસ્યા સર્જાઇ હતી. ૧ હજારથી વધુ ઘરોમાં કમર સુધીના પાણી ભરાઇ જવાના કારણે લોકો મહા મુશ્કેલીનો સામનો કરી રહ્ના છે.
સુરત શહેરમાં છેલ્લાં સાત દિવસથી લિંબાયત અને પરવટ ગામ વિસ્તારમાં ખાડી પુરના પાણી ભરાયા બાદ માંડ તે હજુ ઉતર્યા છે ત્યાં તો વધુ એક આફત માથે આવી પડી છે. જીલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે ફરીથી શહેરમાંથી પસાર થતી પાંચેય ખાડીઓના લેવલ વધી ગયા છે. જેમાં મિઠીખાડી અને ભેદવાડ ખાડી ઓવરફલો થઇ જતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને લોકોને ફરીથી પાણીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ભેદવાડ ખાડી પાંડેસરા વિસ્તારમાંથી પસાર થતી હોવાથી નાગસેન નગર , પ્રેમ નગર , ક્રિષ્ણા નગર , ઉધના - નવસારી રોડ , ભેદવાડ દરગાહ પાસેનો વિસ્તાર , ઉન ઇકલેરા ગામ જેવા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં કમર સુધીના પાણી ભરાઇ ગયા હતા. અચાનક જ ખાડી પુરની પરિસ્થીતી આવી પડતાં લોકોમાં અફરા તફરીનો માહોલ જાવા મળ્યો હતો.
પાંડેસરા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પાણી ઘુસી જતાં લોકો હાલાકીમાં
બીજી તરફ 20મી ની રાત્રે વરસેલા મુશળધાર વરસાદને પગલે સચિન જીઆઇડીસીનો સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઇ જવાની સાથે સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ૩થી ૪ ફૂટ જેટલા પાણી ભરાય જતા પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાલાકીમાં મુકાયો હતો. ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી શહેર-જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્ના છે. જેને પગલે શહેરમાંથી પસાર થતી તમામ ખાડીઓ ઉભરાય જતા ખાડી પૂરની સ્થિતી ઉભી થઇ છે. દરમ્યાનમાં વરસેલા મુશળધાર વરસાદને પગલે સમગ્ર સચિન જીઆઇડીસી વિસ્તાર જળબંબાકાર થઇ જતા આ વિસ્તારમાં વીજ પુરવઠો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત ઔદ્યોગિક એકમો પણ બંધ રાખવાની ફરજ પડી હતી. જયારે સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં પણ ૩થી ૪ ફૂટ જેટલા પાણી ભરાય ગયા હતા. રોડથી અંદાજે ૬થી ૭ ફુટ નીચે આવેલા પોલીસ સ્ટેશનમાં પાણી ભરાવવાનું શરૂ થતા નાઇટ પાળીનો પોલીસ સ્ટાફ હાલાકીમાં મુકાય ગયો હતો. આ તમામ પરિસ્થિતી જાતા પાલિકાએ તાત્કાલ ફાયરની ટીમો બોટ સાથે તૈનાત કરી લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી છે. અસંખ્ય લોકોને સહી સલામત સ્થળે ખસેડી ફુડ પેકેટ અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલ કાંકરા ખાડી ૬ મીટર , ભેદવાડ ખાડી ૮.૨૦ મીટર , મિઠીખાડી ૭.૯૦ મીટર , ભાઠેના ખાડી ૫.૯૫ મીટર અને સિમાડા ખાડી ૩.૩૦ મીટર પર વહી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500