Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ મહાનગરને એટ વન કલીક રૂ. ૧૦૧૬ કરોડના ૬૧ વિવિધ વિકાસ કામોની  ઇ-લોકાર્પણ-ખાતમૂર્હૂત ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

  • August 22, 2020 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરને એટ વન કલીક રૂ. ૧૦૧૬ કરોડના વિવિધ વિકાસ કામોની ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભેટ આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ સરકાર જનતા જનાર્દનની આશા-અપેક્ષાઓ સંતોષનારી અને ફટાફટ નિર્ણયો લઇ વિકાસ કામો આપનારી જનહિતલક્ષી સરકાર છે.

 તેમણે ઉમેર્યુ કે, લોકોને વિકાસ કામો માંગવા આવવું પડતું નથી પરંતુ માંગ્યા વિના સામે ચાલીને વિકાસ કામો આપનારી આ રાજ્ય સરકાર છે.

 આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકાસના કામોમાં વધુને વધુ લોકો જોડાય, શહેરી જનસુખાકારીમાં સતત વધારો થાય અને ઇઝ ઓફ લિવીંગમાં વૃદ્ધિ સાથે લોકો પ્રગતિ સમૃદ્ધિ મેળવે તેવો ધ્યેય આપણે રાખ્યો છે.

 મુખ્યમંત્રીશ્રીએ ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર શ્રીમતી બિજલ પટેલ, સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષ શ્રી અમૂલભાઇ અને શહેરી વિકાસ અધિક મુખ્ય સચિવ શ્રી મૂકેશ પૂરી, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસની ઉપસ્થિતીમાં રૂ. રપ૬ કરોડના વિવિધ ૧૫ કામોના ઇ-લોકાર્પણ અને રૂ. ૭૬૦ કરોડના ૪૬ પ્રજાલક્ષી કામોના ઇ-ખાતમૂર્હત ગાંધનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા.

        અમદાવાદ મહાનગરના પાંચ બ્રીજના નામકરણ પણ મુખ્યમંત્રીશ્રીએ ઇ-તકતી અનાવરણથી કર્યા હતા. 

        તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના ઝૂંપડા પુન:વસન પુન:વિકાસ પોલિસી અંતર્ગત સાબરમતી, પાલડી અને દાણીલીમડા વોર્ડમાં તૈયાર થયેલા ૧૧૮૪ આવાસોનો કોમ્૫યુટરાઇઝડ ડ્રો પણ કર્યો હતો.

        મુખ્યમંત્રીશ્રીએ આ આવાસ યોજનામાં ડ્રો મારફતે આવાસ મેળવનારા લાભાર્થીઓ સાથે ટેલિફોનિક સંવાદ કરીને તેમને આવાસ સંકુલમાં સ્વચ્છતા જાળવવાના આગ્રહ સાથે સુખમય જીવનની શુભેચ્છાઓ આપી હતી.

        મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોરોનાના પડકાર વચ્ચે પણ ગુજરાતના મહાનગરો સહિત રાજ્યની વિકાસયાત્રાના કામોની ગતિ આપણે જાળવી રાખીને આપત્તિને અવસરમાં પલ્ટાવવાની ખૂમારી દર્શાવી છે.

        તેમણે ઉમેર્યુ કે, આ સરકારે શહેરી વિકાસની આગવી કેડી કંડારી છે અને ઝડપથી કામો થાય, વિકાસની હરણફાળ જારી રહે તે માટે પ્લાનીંગ ઇન ડિટેઇલ-પ્લાનીંગ ઇન એડવાન્સ સાથે આયોજનબદ્ધ પગલાંઓ ભર્યા છે.

        શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્થાનિક શહેરી સત્તાતંત્રો-સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વિકાસકામો નાણાંના અભાવે કયારેય અટકવાના નથી તેવો વિશ્વાસ આપતાં કહ્યું કે, વિવાદ નહિ સંવાદ, જ્યાં માનવી ત્યાં સુવિધા અને લઘુત્તમ સંશાધનોના મહત્તમ ઉપયોગના ત્રેવડા મંત્ર સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ વિકાસકામોને ગતિ આપી છે.

        મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના પાંચ મહાનગરોમાં GDCRમાં સુધારા કરીને ૭૦ માળથી વધુના હાઇરાઇઝડ બિલ્ડીંગને રાજ્ય સરકારે પરવાનગીઓ આપવાનો જે નિર્ણય કર્યો છે તેની ભૂમિકા આપી હતી.

        આ અંગે તેમણે કહ્યું કે, હવે ગુજરાતના શહેરો અને અમદાવાદ મહાનગર વિશ્વના વિકસીત શહેરોની સમકક્ષ સ્પર્ધામાં આવીને ઊભા રહે તેવો આસમાનમાં ડેવલપમેન્ટનો અભિગમ અપનાવ્યો છે.

        તેમણે અમદાવાદ સહિત રાજ્યના ચાર મહાનગરો સ્વચ્છ સર્વેક્ષણમાં ટોપ-૧૦ માં સ્થાન પામ્યા તેનું ગૌરવ કરતાં જણાવ્યું કે, પૂજ્ય બાપૂના ‘‘સ્વચ્છતા ત્યાં પ્રભુતાના’’ મંત્રને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇએ સ્વચ્છતાના જનઆંદોલનથી જન-જન સુધી પ્રસરાવ્યો છે.

        ગુજરાતના આ બે સપૂતોની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાત જ નહિ, દેશ આખામાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવી છે તેનું ગૌરવ તેમણે કર્યુ હતું.

        મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, હાઇરાઇઝડ બિલ્ડીંગ, નાગરિક સુખાકારીના પ્રકલ્પો અને પર્સનલ હાઇજીન સાથે પબ્લીક હાઇજીનના કામોને અગ્રતા સાથે ગુજરાતના શહેરી ક્ષેત્રમાં ઇઝ ઓફ લિવીંગ સાથે રહેવાલાયક-માણવાલાયક બનાવ્યા છે. ‘‘રહેવું તો ગુજરાતમાં’’ એવો ભાવ નાગરિકોમાં જાગે તેવું વાતાવરણ બનાવવું છે.

        મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં મહાનગરો-નગરો ગામોમાં દરેક ઘરને ટેપ વોટર-નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ‘નલ સે જલ’ કાર્યક્રમમાં ગુજરાતના પાંચ જિલ્લાઓના ગામોના ઘરો આગામી ગાંધીજ્યંતિ તા. ર ઓકટોબર પહેલાં ૧૦૦ ટકા નળથી પણી મેળવતા થાય તેવું આયોજન કર્યુ છે તેની વિગતો આપી હતી.

        તેમણે અમદાવાદ મહાનગરમાં પણ હરેક ઘરને ટેપ વોટર, નળથી પાણી મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા મહાપાલિકાના પદાધિકારીઓને સુચવ્યું હતું.

        મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ અને રાજ્યના મહાનગરોમાં ડ્રેનેજ વોટરને એસ.ટી.પી. દ્વારા ટર્શરી ટ્રીટમેન્ટથી શુદ્ધ કરીને તેનો રિ-યુઝ ખેતી, ઊદ્યોગ તેમજ અન્ય વિકાસ કામો માટે થાય તેવી પણ હિમાયત કરી હતી.

        આના પરિણામે ગુજરાત વોટર સરપ્લસ સ્ટેટ બનશે. એટલું જ નહિ ગંદા પાણીના શુદ્ધિકરણથી તેના પૂન: ઉપયોગને પણ વેગ મળશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

        મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦રર સુધીમાં સૌને આવાસ છત્ર પુરૂં પાડવાનો જે સંકલ્પ કર્યો છે તેમાં ગુજરાતે પોણા ચારથી વધુ આવાસો પૂર્ણ કર્યા છે તેમ જણાવ્યું હતું.

        તેમણે કહ્યું કે, અત્યાર સુધી ઝૂંપડામાં, કાચા મકાનોમાં રહેતા પરિવારો-લોકોને પોતીકું મકાન કે કાયમી આવાસના અભાવે ભયમાં કહેવું પડતું હવે તેમને માથે કાયમી છત મળતી થવાથી માનસિક શાંતિથી સુખ-સમૃદ્ધિ તરફ વળી શકશે.

        અમદાવાદના મેયર શ્રીમતી બિજલ પટેલે મહાનગરમાં આ રૂ. ૧૦૧૬ કરોડના વિકાસ કામોથી નાગરિકોનું જીવનધોરણ સુવિધાસભર બનશે તેવી શ્રદ્ધા વ્યકત કરી હતી.

        મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં અમદાવાદે સુગ્રથિત વિકાસ સાધીને વિશ્વના શહેરોની હરોળમાં ઊભા રહેવા કમર કસી છે. એટલું જ નહિ, સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ ૪૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અગ્રીમ સ્થાન મેળવ્યું છે તેમ ઉમેર્યુ હતું.

        આ અવસરે સાંસદ શ્રી ડૉ. કિરીટ સોલંકી, અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ, મહાપાલિકાના પદાધિકારીઓ, નગરસેવકો અમદાવાદથી વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application