મહારાષ્ટ્રમાં હાલમાં જુદા-જુદા શહેરોમાં તંગદિલી ફેલાય હતી ત્યારે જળગાંવ જિલ્લાનાં અમળનેરમાં ગતરોજ રાતે વિવાદ બાદ બે જૂથ વચ્ચે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. દરમિયાન ત્રણ પોલીસકર્મી અને અન્યને ઇજા અને વાહનોને નુકસાન થયું હતું. અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે શંકાનાં આધારે બંને જૂથમાંથી 32 જણની અટકાયત કરી હતી. અમળનેરમાં કાયદા અને વ્યવસ્થા જાળવવા બે દિવસ માટે કર્ફ્યુનો આદેશ લાગુ કરવામાં આવ્યો છે.
વિવાદાસ્પદ પોસ્ટ અને વિવિધ વિવાદને લીધે રાજ્યમાં સતત તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રનાં જુદા જુદા શહેરમાં પથ્થરમારો, તોડફોડ, દંગલ થઇ રહ્યા છે. ગતરોજ રાતે 9 વાગ્યે બે-ત્રણ તરુણ વચ્ચે નજીવા કારણથી બોલાચાલી બાદ મારામારી થઇ હતી. પછી અમળનેરની સરાફ બજાર વિવાદમાં બે જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ સુભાષ ચૌક, ગાંધલીપુરા અને અન્ય જગ્યાએ પણ આવી ઘટના બની હતી. એમાં કેટલાંક વાહનોને નુકસાન થયું હતું.
આ બનાવની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પથ્થરમારામાં ત્રણ પોલીસ અને અન્ય ચાર જણ ઘાયલ થયા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી કરી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. જળગાંવનાં સિનિયર પોલીસ ઓફિસરો પણ ત્યાં પહોંચી ગયા હતા. પોલીસે પથ્થરમારો કરનારા 32 જણને તાબામાં લીધા હતા. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરીને રમખાણો પાછળના શકમંદોને શોધી રહી છે.
જોકે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. પરંતુ અમળનેરમાં શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે માટે 10 જૂનના સવારથી 12 જૂનના સવાર સુધી કલમ 144 હેઠળ કર્ફ્યુ લાગૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જરૂર જણાશે તો કર્ફ્યુ લંબાવવામાં આવી શકે છે. અમળનેરના રહેવાસીઓને તેમના ઘરમાં રહેવા અને કર્ફ્યુ દરમિયાન વહીવટીતંત્રને સહકાર આપવાની અપીલ કરાઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500