ડાંગ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ, જિલ્લા વહીવટી તંત્ર અને એલીમ કો, ઉજ્જૈનના સહયોગથી જિલ્લાના દિવ્યાંગજન અને વૃદ્ધજન લાભાર્થીઓ માટે વિશેષ કેમ્પ હાથ ધરી, તેમને મદદરૂપ થવાનો સ્તુત્ય પ્રયાસ હાથ ધરાયો હતો. આહવા સ્થિત સિવિલ હોસ્પિટલ ઉપરાંત સુબિર અને વઘઇ ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આયોજિત આ 'આકલન અને તપાસણી કેમ્પ'માં કુલ ૫૬૩ લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાયું હતું.
જે પૈકી પાત્રતા ધરાવતા ૨૭૮ દિવ્યાંગજન લાભાર્થીઓ સહિત ૨૯ જેટલા વૃદ્ધજન લાભાર્થીઓ મળી કુલ ૩૦૭ લાભાર્થીઓને લાભાન્વિત કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓ આહવા, વઘઇ, અને સુબિર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'એડીપ યોજના' અને 'રાષ્ટ્રીય વયોશ્રી યોજના' અંતર્ગત સાધન સહાય આપવા માટે વિશેષ આકલન અને તપાસણી કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને 'એડીપ યોજના' અંતર્ગત કુત્રિમ હાથ, કુત્રિમ પગ, સીપી ચેર, ટ્રાયસિકલ, ઇલેક્ટ્રિક મોટર સાયકલ, ઘોડી, કેલીપર્સ, વોકિંગ સ્ટીક, મોબાઈલ, ડેજિપ્લેયર, સાંભળવાનું મશીન, એમ આર કિટ વિગેરે મળવાપાત્ર થાય છે. જ્યારે 'રાષ્ટ્રીય વયોશ્રી યોજના' અંતર્ગત ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા વૃદ્ધજનોને ચશ્મા, સાંભળવાનું મશીન, લાકડી, વોકર, ઘોડી, તથા વ્હીલચેર જેવા સાધનો મળવાપાત્ર થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500