Tapi mitra news:વલસાડ કલેકટરશ્રી, આર.આર.રાવલના અધ્યક્ષસ્થાને જિલ્લાના ખાસ કરીને વલસાડ તાલુકામાં કોરાના કેસોમાં થયેલ વધારાને પગલે તેના સંક્રમણને રોકવા વિશેષ બેઠક મળી હતી. વલસાડ કલેક્ટરે વલસાડ તાલુકાના તમામ મેડિકલ સ્ટોરમાંથી કોવિદ-૧૯ (કોરોના) અંતર્ગત તાવ, ગળામાં દુઃખાવો, ખાંસી, શરદી, શ્વાસ, ડાયરીયા (ઝાડા) માટેની પેરાસીટામોલ, હાયડ્રોક્સી ક્લોરોક્વીન સલ્ફેટ, એઝીથ્રોમાઈસીન, કફ સીરપ અને લોપેરામાઈડ વગેરે પ્રકારની દવા લેવા આવતા દર્દીઓના નામ, સરનામાં તથા સંપર્ક નંબરની ફરજિયાતપણે નોંધણી કરવામાં આવે તે પ્રમાણેનું આયોજન કરવા જણાવ્યું હતું.
વલસાડ કલેકટર દ્વારા તમામ મેડિકલ સ્ટોરના સંચાલકોએ ચૂસ્ત અને કડકપણે પાલન કરી આ પ્રકારની વિગતોની નોંધ કરવા અને આવી દવાઓ માન્ય રજિસ્ટર્ડ મેડીકલ પ્રેકટીશનરના પ્રીસ્ક્રીપ્શન વગર ન આપવા કડક સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં તંત્ર દ્વારા તમામ મેડીકલ સ્ટોર્સ ઉપર અધિકારીઓ દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવશે અને કસૂરવાર સામે ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા-૧૯૪૦ અને તે અન્વયેના નિયમો સને-૧૯૪૫ હેઠળ પરવાના સ્થગિત તેમજ રદ કરવા જેવા કડક પગલાં ભરવામાં આવશે, જેની મેડીકલ સ્ટોર્સના સંચાલકોને નોંધ લેવા જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય તકલીફોમાં ઘણા દર્દીઓ મેડિકલ સ્ટોર પરથી જાતે દવાઓ લઇને સારવાર કરતાં હોય છે. આવા લોકો અજાણતાં પણ કોરોનાનાં સંક્રમણનો ફેલાવો કરી શકે છે. જેને પગલે આવા દર્દીઓની માહિતી કેમીસ્ટ અને ડ્રગીસ્ટ એસોસીએશન, વલસાડ દ્વારા આ કચેરીને દરરોજ સાંજે આપવા જણાવવામાં આવ્યું છે, જેથી આ માહિતી આરોગ્ય વિભાગને આપી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આવા ગ્રાહકોની વિગતોના આધારે મેડિકલ સ્ટોર પરથી દવા લઈ જતા દર્દીઓનો સર્વે કરી જરૂર જણાશે તો આરોગ્ય વિભાગ દ્વારા આવા દર્દીઓના ઘરે જઇને કોવિદ-૧૯ (કોરોના) નો ટેસ્ટ કરી યોગ્ય સારવાર આપી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500