થાણે જિલ્લાનાં ભિવંડીમાં 2 માળની ઇમારત તૂટી પડતા કાટમાળ હેઠળ દટાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટના વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે ખાડી-પાર વિસ્તારના મૂલચંદ કમ્પાઉન્ડમાં બની હતી. જોકે ફાયર બ્રિગેડનાં જવાનોએ કાટમાળ હેઠળથી એક વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. ભિવંડીનાં નીજામપુરા પોલીસ સ્ટેશનનાં સૂત્રોનુસાર આ ઇમારત 30થી 35 વર્ષ જૂની હતી. ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કુલ 8 દુકાન આવેલી હતી.
આ ઇમારતનો પહેલો માળ તૂટીને નીચે પડયો હતો. આમાંથી એક દુકાન માજીદ અંસારી (ઉ.વ.37)ની કપડાની દુકાન હતી અને તે રાત્રે દુકાન બંધ કરી ત્યાં જ સૂઈ ગયો હતો. ઉપરથી કાટમાળ તેની દુકાન પર પડતા તે કાટમાળ હેઠળ જ દટાઈ ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 2 ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ-રાહત કાર્ય હાથ ધર્યું હતું.
ફાયર બ્રિગેડનાં જવાનોએ અશરફ નાગોરી (ઉ.વ.22) નામની એક વ્યક્તિને કાટમાળ હેઠળથી હેમખેમ બહાર કાઢ્યો હતો. ફાયરબ્રિગેડે લગભગ 3 કલાક સુધી શોધ અભિયાન હાથ ધર્યું હતું. આ ઇમારતમાં અમુક દુકાનો સાથે જ કપડાનું ગોદામ અને ટેક્સટાઇલ કંપનીની ઓફિસ પણ આવી હતી. જોકે વહેલી સવારે દુર્ઘટના બનતા અહીં કોઈ હાજર ન હોવાથી ઘણા લોકોના જીવ બચી ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500