આજથી ક્રિકેટનો સૌથી મોટો જલસો એટલે કે ઈન્ડિયન પ્રીમીયર લીગ-2024ની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ આગામી દિવસોમાં 3 મેચો રમાવાની છે. આ મેચને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 24 માર્ચ, 31 માર્ચ અને 4 એપ્રિલના રોજ મેચ રમાવાની છે. આ મેચને લઈને તકેદારીના ભાગરૂપે ટ્રાફિક પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં જણાવ્યા મુજબ, આ ત્રણ દિવસ દરમિયાન જનપથ-ટીથી મોટેરા સ્ડેટિયમ મુખ્ય ગેટ થઈને કૃપા રેસિડન્સી થઈ મોટેરા સુધીનો જતો આવતો રસ્તો વાહનોની અવરજવર માટે બંધ રહેશે.જો કે આ દરમિયાન વાહન ચાલકો વૈકલ્પિક માર્ગ તરીકે તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત થઈ જનપથ ટી થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈને પ્રબોધ રાવળ સર્કલ સુધીના રસ્તે અવર જવર કરી શકશે. આ ઉપરાંત કૃપા રેસિડન્સી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર થઈ એપોલો સર્કલ તરફના રસ્તા પર અવરજવર કરી શકશે. અત્યારે પ્રથમ મેચને લઈને 24 માર્ચ બપોરે 3 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળવા આવતા ક્રિકેટ પ્રેમીઓને હાલાકી ના પડે, તે હેતુસર અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા આ રૂટ પર 68 બસ ફાળવવામાં આવી છે. જે મેચના દિવસે સવારે 6 વાગ્યાથી રાતે 1 વાગ્યા સુધી આ રૂટ પર દોડશે. આ બસની સુવિધા શહેરના નહેરુનગર, ઈસ્કોન ચાર રસ્તા અને નારોલથી મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500