ગાંધીનગરના કોબા મહાવીર હિલ્સ અને સેક્ટર – 21 શોપિંગ ગોપાલ ડેરીની સામે મોબાઈલમાં જુદી જુદી એપ્લિકેશન મારફતે આઈપીએલની ક્રિકેટ મેચનો સટ્ટો રમતાં ત્રણ સટોડિયાને પોલીસે રંગેહાથ હાથ ઝડપી લીધા હતા. પોલીસે પાંચ મોબાઈલ તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ. 26 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં ચાલી રહેલી આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ઈસમોને ઝડપી પાડવા માટે એલસીબીની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી.
એ દરમિયાન બાતમી મળી હતી કે, કોબા સર્કલ પાસે સર્વિસ રોડ ઉપર આવેલ પાંડવ વાડી પાસે મહાવીર હિલ્સની બહાર બે યુવાનો મોબાઈલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યા છે, જે હકીકતના આધારે એલસીબી પોલીસે બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી બે ઈસમોને મોબાઈલમાં આઈપીએલ લાઈવ ક્રિકેટ મેચનો સટ્ટો રમતાં આબાદ રીતે ઝડપી પાડ્યા હતા. જેમની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ જીતેન્દ્ર વિઠ્ઠલભાઈ પ્રજાપતિ (રહે. પ્લોટ નંબર – 422/1, ટ્રાફિક પોલીસ પોલીસ ચોકીની પાછળ, સેકટર – 22) તેમજ હિત રાજેન્દ્રભાઈ પટેલ (રહે. મહાવીર હિલ્સ – 2, મકાન નંબર – એ/501, કોબા) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે બંનેની અંગ અડતી લેતાં બે હજાર રોકડા મળી આવી હતા. ઉપરાંત બંને પાસેથી 20 હજારની કિંમતના ચાર મોબાઇલ મળી આવ્યાં હતા.
જેમાં અલગ અલગ એપ્લિકેશનમાં યુઝર આઈડી પાસવર્ડ થકી બંને જણા લાઈવ ક્રિકેટ મેચનો હાર જીતનો જુગાર રમતા હોવાની કબૂલાત કરી હતી. જેનાં પગલે પોલીસે બંન્નેની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી લીધી હતી. એજ રીતે સેકટર – 21 પોલીસે પૂર્વ બાતમીના આધારે સેકટર – 21 શોપિંગ ગોપાલ ડેરીની સામે આઇપીએલ લાઈવ ક્રિકેટ મેચનો ઓનલાઈન સટ્ટો રમતાં દશરથ સંજયભાઈ પટેલને (હાલ રહે. સેકટર – 5, મહાકાળી મંદિરની સામે શ્રી રામ પી.જી માં, મૂળ રહે. થરાદ) રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. જે પોતાના મોબાઈલ એપ્લિકેશન મારફતે ઓનલાઇન સટ્ટો રમતો હતો. જેની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500