ઇકરામ મલેક દ્વારા રાજપીપલા:નોવેલ કોરોના વાયરસના સંકમણ જન્ય વ્યાધી સામે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુસર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આયુષની કચેરી, ગાંધીનગરની ગાઈડ લાઈન તથા જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં નિ: શુલ્ક આયુર્વેદ ઉકાળાનો લાભ પ્રજાજનો લઇ શકે તે માટે તા. ૨૫ મી મે થી તા. ૨૯ મી મે સુધી ઉકાળા વિતરણ અભિયાન હાથ ધરાયું છે. સિંધીવાડ, દોલતબજાર અને શ્રીજી મેડીકલ સ્ટોર સહિત અન્ય ૩૫ જેટલાં શહેરી વિસ્તારમાંથી ઉકાળા વિતરણ કરાયું હતું.
સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના નાગરિકો અને રોટરી કલ્બ ઓફ રાજપીપલાના સહયોગથી વૈષ્ણવ સમાજની વાડી ખાતે આયુર્વેદ શાખાના જિલ્લા આયુર્વેદ અધિકારીની દેખરેખ હેઠળ ઉકાળો બનાવવામાં આવે છે. સવારે ૭:૦૦ કલાકે અંદાજીત ૧૫૦૦ લીટર દૈનિક ઉકાળો તૈયાર કરવામાં આવે છે. જેમાં રોજના અંદાજે ૩૬,૦૦૦ લોકોએ ઉકાળાનો લાભ લીધો છે. આજદિન સુધી અંદાજે ૧,૫૦,૯૪૦ જેટલા લોકોએ નિ: શુલ્ક ઉકાળાનો લાભ લીધો છે. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય ડૉ. નેહા પરમારે જણાવ્યું હતું કે, નોવેલ કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રહેવા જિલ્લાના શહેરી વિસ્તારોમાં તા. ૨૫ મી થી તા. ૨૯ મી મે, ૨૦૨૦ સુધી સળંગ પાંચ દિવસ ડોર ટુ ડોર ઉકાળા વિતરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ૩૫ જેટલાં વિસ્તારો નક્કી કરાયા છે તે વિસ્તારોમાંથી ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે અને જિલ્લા આયુર્વેદિક કચેરીની સાથે સ્વામી વિવેકાનંદ ગૃપ, રોટરી કલ્બ અને સમસ્ત વૈષ્ણવ વણીક સમાજના સહયોગથી ઉકાળાનું વિતરણ કરવામાં આવતું હોવાનું તેમણે ઉમેર્યું હતું. રાજપીપલાના સિંધીવાડ વિસ્તારમાં રહેતા એન.આર.આઇ શ્રી ઇસતિયાક પઠાણે જણાવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણથી બચવા અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા સરકારશ્રી દ્વારા ઉકાળાની વ્યવસ્થા કરવામાં આવી છે. હું રોજ સવારમાં ઉકાળાનું સેવન કરૂં છું. ઉકાળો કોરોના સામે ફાઇટ આપતા હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજપીપલા દોલતબજારના રહીશ શ્રી પિયુષભાઇ પ્રભુભાઇ ટેલરે કહ્યું કે, લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે જિલ્લા પ્રશાસનના સહયોગથી ઉકાળો તૈયાર કરીને અમારી દોલતબજાર સુધી પહોચાડવામાં આવે છે અને અમારી ટીમ મારફતે લોકોને ઉકાળો પીવડાવીએ છીએ તેમજ કોઇ રહી ન જાય તેની પણ ખાસ તકેદારી રાખીએ છીએ. આ સેવાયજ્ઞનું કામ અમે કરી રહ્યા છીએ જેનો અમને ખૂબ જ આનંદ છે. નાંદોદ તાલુકાના મામલતદારશ્રી ડી.કે.પરમાર અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડૉ. નેહાબેન પરમારે ઉકાળા વિતરણની મુલાકાત પણ લીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500