તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલી કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર એન.કે ડામોરની અધ્યક્ષતામાં તા. ૦૧/૦૧/૨૦૧૮ની લાયકાતના સંદર્ભમાં હાથ ધરવામાં આવનારી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
કોન્ફરન્સમાં ઉપસ્થિત મીડીયાકર્મીઓને સંબોધતા જિલ્લા સમાહર્તાએ જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા દર વર્ષની પહેલી તારીખની લાયકાતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ૦૧/૦૧/૨૦૧૮ની લાયકાતના સંદર્ભમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. ચાલુ વર્ષની મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે તા. ૦૧/૦૧/૨૦૧૮ના રોજ ૧૭ વર્ષની ઉંમર થતી હોય તેવા યુવક યુવતિઓની અલગ યાદી તૈયાર કરવામાં આવશે જેથી તા. ૦૧/૦૧/૨૦૧૯ની લાયકાતના સંદર્ભમાં આવા યુવક યુવતિઓને ૧૮ વર્ષ પુરા કરતાની સાથે જ મતાધિકાર પ્રાપ્ત થઇ જાઇ.આ ઉપરાંત ૦૧/૦૧/૨૦૧૮ની લાયકાતના સંદર્ભમાં જેમની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હશે એમની મતદારયાદીમાં નામ નોંધણી કરવામાં આવશે.મૃત્યુ પામેલા અને સ્થળાંતરિત થયેલા મતદારોના કિસ્સામાં નામ કમી કરવાની કામગીરી, નામ, સરનામું જેવી વિગતોમાં સુધારા વધારા સહિતની કામગીરી આગામી સમય દરમિયાન કરવામાં આવશે.
વધુમાં તેમણે મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. ૨૨/૦૧/૨૦૧૮ના રોજ ફોટાવાળી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તા. ૨૨/૦૧/૨૦૧૮ થી તા. ૧૨/૦૨/૨૦૧૮ સુધીમાં હકક દાવા અને વાંધા રજૂ કરવાના રહેશે. તા. ૨૮/૦૧/૨૦૧૮, તા. ૦૪/૦૨/૨૦૧૮ રવિવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યેથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં સંબંધિત મતદાન મથકોએ બી.એલ.ઓ દ્વારા હકક દાવા અને વાંધાઓ સ્વીકારવા માટેની ખાસ ઝુંબેશ હાથ ધરાશે અને તા. ૧૨/૦૩/૨૦૧૮ના રોજ ફોટાવાળી મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
પ્રેસ કોન્ફરન્સમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ વસાવા, નાયબ મામલતદાર રીતેશભાઇ કોંકણી, નાયબ મામલતદાર રવજીભાઇ ચૌધરી, નાયબ મામલતદાર અલ્પેશભાઇ પંચાલ, મીડીયાકર્મીઓ, માહિતી ખાતાના કર્મચારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500