Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:જળ અભિયાન થકી ભવિષ્યની પેઢીને સમૃદ્ધ જળવારસો અને દુષ્કાળને દેશવટો મળશે:મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

  • May 27, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ગુજરાતમાં ચાલતા સુજલામ સુફલામ જળ અભિયાનમાં જનશક્તિનો અભૂતપૂર્વ સહયોગ મળ્યો છે. જ્ઞાતિ-જાતિ, ધર્મનો ભેદ ભૂલી જનશક્તિ જળાશયોની સંગ્રહશક્તિ વધારવા માટે આકરા ઉનાળામાં પરસેવો પાડી રહી છે. આગામી ચોમાસા દરમિયાન આ પરસેવો અમૃત બની જળસ્વરૂપે એકત્ર થશે એમ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કસવાવ ગામે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત તળાવ ઉંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત અને પોલીસ આવાસ નિગમ દ્વારા જિલ્લામાં નવનિર્મિત પોલીસ આવાસ અને પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યમાં તા.૧ મેના રોજ જ્યારે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થયો ત્યારે ૫૨૭ સામે અત્યારે ૪૬૦૦ વધુ જેસીબી કામ કરે છે. આ ધરતી આપણી માતા છે અને નદી લોકમાતા છે.આપણે સૌ આ ધરતી અને નદીના સંતાનો છીએ. ત્યારે,આ ધરતીને પાણીથી તૃપ્ત કરવાની જવાબદારી સૌ કોઇની છે.તે જવાબદારી ગુજરાતની જનતાએ સુપેરે ઉઠાવી છે. નદીઓના ઓવારા સાફ કરવામાં આવી રહ્યા છે અને શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે.આ જળ અભિયાનથી ૧૧ હજાર લાખ ઘન ફૂટ જળસંગ્રહ શક્તિ વધશે. જળાશયોની આસપાસના વિસ્તારોમાં ભૂતળમાં મીઠા પાણી આવશે, જળતળ વધતા જીવમાત્રનું કલ્યાણ થશે એમ જણાવ્યું હતું.તેમણે દરિયા કિનારે ડિસેલીનેશન પ્લાન્ટ બનાવવા અંગે વિગતે માહિતી અને વોટર રિસાયક્લિંગ પોલીસી ટુંક સમયમાં રાજય સરકાર જાહેર કરશે એમ જણાવ્યું હતું.મુખ્યમંત્રી રૂપાણીએ વિરોધીઓને સાફ શબ્દોમાં સંભળાવતા જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર લોકહિતને લક્ષ્યમાં રાખી કામ કરી રહી છે અને અમારી કાર્યસંસ્કૃતિમાં જનહિત છે. એટલે, અમે વ્યાપક અભિયાન ચલાવ્યા છે.એવો આક્ષેપ કરવામાં આવે છે કે આ જળ અભિયાનમાં ૨૪૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થયો છે પણ,એવું કહેનારા સાંભળી લે કે મૂળ બજેટ રૂ. ૨૦૦ કરોડનું છે તો ૨૪૦૦ કરોડનું કૌભાંડ કેવી રીતે થઇ શકે ? કેટલાક લોકો એવું કહેતા ફરે છે કે ઘાસ ખરીદીમાં ગોટાળા થયા છે.તો આ લોકો એ વાત જાણી લે કે રાજ્ય સરકાર દ્વારા ત્રણ વર્ષથી ઘાસની ખરીદી જ કરાઇ નથી. વિરોધી લોકો ખોટી વાતો અને ભ્રમ ફેલાવે છે, તેનાથી સાવચેત રહેવા તેમણે લોકોને અપીલ કરી હતી.જળ સંચય અભિયાનના ભાગરૂપ ગુજરાતની બત્રીસ નદીઓને પુનર્જીવિત કરવામાં આવી રહી છે એટલું જ નહીં પાંચ હજાર પાંચસો કિલોમીટર કેનાલોની સાફ સફાઇ પણ કરાઇ રહી છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તાપી જિલ્લાના કસવાવ ગામે ૧૨ હેકટર વિસ્તારનો ફેલાવો ધરાવતા તળાવને ઊંડું કરવાનો પ્રારંભ કરાવ્યો  હતો.તાપી જિલ્લાનું કસવાવ ગામ જળ સંચય નું પ્રણેતા ગામ છે ત્યારે આ ગામના ખેડૂતો ખૂબ મહેનતુ હોઈ જળસંચયના આ કામનો વ્યાપક લાભ મળશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મંચ પરથી તાપી જિલ્લામાં પોલીસ આવાસ નિગમ દ્વારા રૂા.૨૫.૭૯ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા ૨૦૦ પોલીસ આવાસ, રૂા. ૪૦.૭૬ લાખના ખર્ચે નિર્મિત ડૉલવણ પોલીસ સ્ટેશન, અને રૂા. ૨.૯૬ કરોડના ખર્ચે વાલોડ ખાતે નવનિર્મિત પોલીસ સ્ટેશન, સી-૧ તથા બી-૧૮ કવાર્ટસ મળી રૂા. ૨૯.૧૬ કરોડના પોલીસ આવાસ નિગમના કામોનું ડિજીટલ લોકાર્પણ કર્યું હતું.કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત મહાનુભાવોએ તથા ઉપસ્થિત જનમેદનીએ કાર્યક્રમને રસથી નિહાળ્યું હતું.કલેક્ટર એન.કે.ડામોરે શાબ્દિક સ્વાગત સ્વાગત કરતા જળ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં કરવામાં આવી રહેલી કામગીરી અંગે વિગતે છણાવટ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application