Tapi mitra News-દર વર્ષે વિશ્વ થેલેસેમિયા દિવસ અને વિશ્વ રેડ ક્રોસ દિવસ રેડ ક્રોસના પ્રણેતા હેન્રી ડયુનાટના જન્મ દિવસે તા.૮મી મેના રોજ મનાવવામાં આવે છે. આ વાર્ષિક દિવસનો મુખ્ય હેતુ ‘‘આંતરરાષ્ટ્રીય રેડક્રોસ અને રેડ ક્રેસન્ટ આંદોલન'' ઉજવણી કરવાનો છે. દર વર્ષે જરૂરિયાતવાળા લોકોને મદદ કરવાના હેતુથી અભૂતપૂર્વ યોગદાન આપનારા સ્વયંસેવકોને સમર્પિત કરવા માટે ઉજવવામાં આવે છે. રેડક્રોસ સોસાયટીનું મિશન પ્રેરણા, પ્રોત્સાહન આપવાનું છે, જેથી બધા સમયે અને બધી રીતે માનવતાવાદી પ્રવૃત્તિઓ કરીને માનવીય પીડા ઘટાડી શકાય અને શાંતિપૂર્ણ વાતાવરણ બનાવી શકાય. એક સર્વે અનુસાર દુનિયાના ૧૦ ટકા થી પણ વધારે લગભગ દોઢ લાખ થેલેસેમીયા દર્દીઓ ભારતમાં છે.ᅠદર વર્ષે ભારતમાં ૧૦ હજાર થેલેસેમીયા પીડિત બાળકો ઉમેરાતા જાય છે. જેમાં ગુજરાત અને વલસાડ જિલ્લો પણ એમાંથી બાકાત નથી. વલસાડ જિલ્લામાં પણ વલસાડ રક્તદાન કેન્દ્ર ખાતે લોહી લેવા આવતા થેલેસેમીયાના ૬૦ થી વધુ દર્દીઓ નોંધાયેલાᅠછે. જેમને દર મહીનેᅠ નિયમિત રક્તની જરૂરᅠપડે છે. જે દરેક સમાજ માટે ઘણીજ ગંભીર બાબત ગણી શકાય. ગુજરાતમાં સિંધી, લોહાણા, ભાનુશાળી, બ્રાહ્મણ, મુસ્લીમ, આહીર, હરીજન, જેવા સમાજમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ વારસાગત અને જનીનિક ખામીને કારણે ઉદભવતી ગંભીર બીમારી વિશે જાણતા હોઈએ તો આપણી ફરજ બને છે કે જયારે જયારે સમાજમાં પસંદગી મેળા, સ્નેહ મિલન કે લગ્ન પ્રસંગે ભેગા થઇએ ત્યારે આ ગંભીર બીમારી વિશે પુરી જાણકારી આપીએ અને જન્માક્ષર કરતા આવા રોગ વિશેના રીપોર્ટ મેળવી ભાવી પેઢીમાંથી ધીમે ધીમે આ રોગને આવતો અટકાવીએ. કોરોનાના કહેર વચ્ચે નિયમિત લોહીની જરૂરવાળા દર્દીઓ, જેવા કે, થેલેસેમિયા, સિકલસેલ એનીમિયા, કેન્સર, હિમોફિલિયા અને સગર્ભા બહેનોનીᅠ જિંદગી બચાવવા માટે સમયસર રક્ત મળી રહે તે માટે વલસાડ રક્તદાન કેન્દ્ર લોકડાઉનમાં પણ ૪પ દિવસથી સતત સેવાભાવી સ્ટાફના સથવારે ખડેપગેᅠ૨૪ કલાક કાર્યરત રહી સેવાની સરવાણી વહાવી જરૂરિયાતમંદ દર્દીઓને માટે આશીર્વાદ રૂપ બની રહી છે.ᅠ વલસાડ રક્તદાન કેન્દ્રના માનદ્ મંત્રીᅠડૉ. યઝદી ઈટાલીયાએ વિશ્વ થેલેસેમિયા દિવસે સૌ થેલેસેમિયાના દર્દીઓના સુખમય અને નિરામય જીવન માટે શુભકામનાઓ પાઠવતા જણાવ્યુંᅠછે કે, સરકારશ્રીના નોટિફિકેશન અન્વયે કોરોના સંક્રમણથી સુરક્ષિત રહેવા ઘરની બહાર ના નીકળવું જોઇએ. પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તદાન પણ એટલુંજ આવશ્યક છે. હાલના સંજોગોમાં કોરોના વાયરસની મહામારીને પરિણામે સમગ્ર વિશ્વ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહયું છે ત્યારે સ્વૈચ્છિક રક્તદાન તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત મેળવવાની પ્રવૃતિઓમાં ગંભીર અસર જોવા મળી છે. સરકારશ્રીનાᅠનોટીફીકેશન અન્વયેᅠ૧૭મી મે સુધી રક્તદાન શિબિરનું આયોજન શક્ય નથી. ફક્ત એ.સી. મોબાઈલ બ્લડ કલેક્શન વાનમાં જ નાના નાના રક્તદાન શિબિરોની મંજુરી અન્વયે દરેક પ્રકારના સાવચેતીના પગલાં સાથે રક્તદાન કેન્દ્ર પર કે વાનમાં રક્તદાન શિબિર કરવાની અપીલને વલસાડની જનતાએ અને સ્વૈચ્છિક રક્તદાન શિબિર આયોજકોએᅠખુબ બહોળો પ્રતિસાદ આપયો છે. હાલ પર્યંત રક્તદાન કેન્દ્ર ઉપર ૬૨૯ યુનિટ અને એ.સી. મોબાઈલ બ્લડ કલેક્શન વાનમાં ૧૮ કેમ્પ થકી ૧૦૪૨ યુનિટ મળી કુલ ૧૬૭૧ યુનિટ રક્તદાન મેળવી શક્યા જે માટે અમો સૌ રકતદાતાઓના અને રક્તદાન શિબિર આયોજકોના આભારી છીએ. હાલના લોકડાઉનના કપરાᅠ સમયે ૪પ દિવસમાંᅠ નિયમિત રક્તની જરૂરિયાતવાળા દર્દીઓને રક્ત અને રક્ત ઘટકોનોᅠ પુરવઠો પૂરો પાડવા માટે સ્ટાફᅠ૨૪ કલાક કાર્યરત છે અને હાલ પર્યંત સરકારી હોસ્પિટલોમાં ૨૬૨ યુનિટ સગર્ભા બહેનો માટે, ૧૪ યુનિટ કોરોના આઇસોલેશન વોર્ડમાં દાખલ દર્દીઓને અને અન્ય દર્દીઓને ૩૩૩ યુનિટ, ૯૬ થેલેસેમિયાના દર્દીઓને, પ૩ સિકલસેલ ડીસીઝ દર્દીઓને મળી કુલ ૭પ૮ યુનિટ તથા ૭૬૪ યુનિટ ખાનગી દવાખાનામાં દાખલ દર્દીઓને તથા વલસાડ અને ડાંગ જિલ્લામાં કાર્યરત ૧૦ સ્ટોરેજ સેન્ટરોમાં કુલ ૧૬૦ યુનિટ અને ૧૪ સિંગલ ડોનર પ્લેટલેટᅠમળી કુલ ૧૬૯૬ રક્ત અને રક્ત ઘટકો વિતરણ કરવામાંᅠઆવ્યા છે, જેનો સમગ્ર શ્રેય વલસાડનાᅠરક્તદાન માટે ઉત્સુક રક્તદાતાઓ, રક્તદાન શિબિર આયોજકો અને ૨૪ કલાક કાર્યરત સ્ટાફ (કોરોના વોરીયર)ના સિંહફાળાને જાય છે. જે માટે વલસાડ રક્તદાન કેન્દ્રના ટ્રસ્ટી મંડળે સૌનો આભાર માની ભવિષ્યમાં પણ આવા જ સુંદર સહકારની અપેક્ષા રાખીᅠ વધુને વધુ રક્તદાન માટે અપીલ કરી છે.વલસાડ રક્તદાન કેન્દ્ર પણ ગુજરાત સરકારના સહયોગથી વર્ષ ૨૦૦૬ થી એફેરેસીસ મશીનની સુવિધા ધરાવે છે જે ખાસ કરીને આપણા વિસ્તારમાં લેપ્ટોસ્પાયરોસીસ, ડેન્ગ્યુ અને કેન્સરના દર્દીઓ માટે તો આશીર્વાદરૂપ રૂપ રહયું જ છે. હાલમાં જ પ્રચલિત પ્લાઝમા થેરાપી જે ખાસ કરીને કોરોના સંક્રમિત વ્યક્તિ માટે ઉપયોગી બની શકે છે, તે માટે પણ સજ્જ છે. વલસાડની જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજના સંકલનમાં આ થેરાપી શરૂ કરવી હોય તો તે માટે સરકારશ્રીની ગાઈડલાઈન્સ અને મંજુરી અન્વયે ભવિષ્ય માટે સક્ષમ અને કટિબદ્ધ છે. તો ચાલો સૌ સાથે મળી સરકારશ્રીએ સૂચવેલી માર્ગદર્શિકાનું પાલન કરી કોરોનાને હરાવીએ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે લોક ડાઉનમાં પણ નિયમિત રક્તદાન કરી મદદરૂપ થઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application