તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તા.૨૭મી,મેના રોજ વ્યારા તાલુકાના કસવાવ ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત તળાવ ઉંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જાહેર જનતા આવનારહોઇ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એ માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ એક જાહેરનામું બહાર પાડી તા.૨૭/૦૫/૨૦૧૮ના રોજ ૧૦:૩૦ કલાકથી ૧૩:૩૦ કલાક સુધીમાં બેડચીત તરફથી વ્યારા તરફ આવતા ભારે તથા અતિભારે વાહનોએ બેડચીત, બુહારી, વાલોડ, બાજીપુરા થઇ બાયપાસ હાઇ-વેનો વૈકલ્પિક માર્ગપરથી તથા વ્યારાથી બેડચીત તરફ જતા ભારે તથા અતિભારે વાહનો બાયપાસ હાઇ-વે ટિચકપુરા, બાજીપુરા, વાલોડ બુહારી, બેડચીત થઇ ઉનાઇ તરફ જઇ શકશે.
આ હુકમ જિલ્લા મેજીસ્ટ્રેટ, તાપી-વ્યારા તથા જિલ્લા પોલીસ અધિક્ષક,તાપી-વ્યારા દ્વારા અધિકૃત કરેલા અધિકારી કે કર્મચારી કે પોલીસ અધિકારીને વાહન સાથે ફરજ સોંપવામાં આવેલ હોય તેવા વાહનોની અવર-જવરને આ જાહેરનામું લાગુ પડશે નહિં.સરકારી નોકર કે કામ કરતી કોઇ પણ વ્યક્તિને કે જેને ઉપરી અધિકારી ફરજ બજાવવા વાહન લઇ જવાની આજ્ઞા આપેલ હોય તેવા વાહનોની અવર-જવરને આ જાહેરનામું લાગુ પડશે નહિં.આવશ્યક સેવાના વાહનો તથા ઇમર્જન્સી સેવાઓ અને આરોગ્ય વિષયક સેવાઓને લગતા વાહનોની અવર-જવરને આ જાહેરનામું લાગુ પડશે નહિં.આ જાહેરનામું તા. ૨૭/૦૫/૨૦૧૮ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી બપોરે ૧૩:૩૦ કલાક સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500