ગુજરાતની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદાને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડવા રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશુ સારવાર માટેની મહત્વપૂર્ણ યોજના 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના અંતર્ગત રાજ્યમાં ચાલુ વર્ષે EMRI-GHS મારફતે 250 નવા ફરતા પશુ દવાખાના શરૂ કરવામાં આવશે. આ યોજનાનો લાભ 2500 જેટલા ગામોને મળશે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પશુધન માટે ઘર આંગણે પશુ ચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જોકે 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના હેઠળ ગુજરાતમાં કાર્યરત 460 મોબાઈલ પશુ દવાખાના થકી અત્યારે 5300થી વધુ ગામના પશુઓને વિનામૂલ્યે સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
રાજ્યના મહત્તમ ગામડાઓને આ સેવાનો લાભ મળે તે માટે નવા ફરતા પશુ દવાખાના શરૂ કરી વધુ ગામડાઓને આવરી લેવાની રાજ્ય સરકારની નેમ છે. રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષ 2023-24માં જ નવા 250 ફરતા પશુ દવાખાના શરૂ કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જે પૈકીના 200 નવીન ફરતા પશુ દવાખાના બિન-આદિજાતિ વિસ્તારમાં અને 50 નવીન ફરતા પશુ દવાખાના આદિજાતિ વિસ્તારમાં શરૂ કરવામાં આવશે. જેના માટે કુલ 17.75 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. નવા 250 ફરતાં પશુ દવાખાનાના માધ્યમથી રાજ્યના વધુ 2500 જેટલા ગામના પશુઓને ઈમરજન્સીમાં 1962 નંબર પર ફોન કરવાથી ઘર આંગણે જ પશુ સારવારની સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. ગામોમાં આ સેવા ઘરબેઠા ઉપલબ્ધ થવાથી જે તે વિસ્તારમાં પશુચિકિત્સા સેવાના વ્યાપમાં પણ વધારો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application