Tapi mitra News-ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ૨૪ એપ્રીલ થી ૧૪ મે, ૨૦૨૦ સુધી ગુજરાત સહિતના રાજયોમાં પ્રબળ હીટ વેવની સંભાવના છે. આ સંભાવનાને ધ્યાને લઇ ભારત સરકારના નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા આ સમયે નાગરિકોએ શું કરવું – શું ન કરવું તેની એક માર્ગદર્શિકા કોવીડ – ૧૯ ના સંક્રમણને પણ લક્ષમાં લઇને બહાર પાડવામાં આવી છે.
આ હીટ વેવથી સુરક્ષિત રહેવા માટે દરેક નાગરિકે આ બાબતોનું અવશ્ય પાલન કરવું જરૂરી છે. ઘરે રહો અને સ્થાનિક વાતાવરણ બાબતે વર્તમાનપત્રો અને દૂરદર્શન પરના સમાચારોથી અવગત રહો. બીજી ખૂબ મહત્વપૂર્ણ બાબત તે શરીરમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવી રાખો. દિવસભર સમયાંતરે પાણી પીતા રહો. કીડની કે એવી ગંભીર બિમારીથી પીડાતા લોકો જેઓને વધુ પાણી પીવાની મનાઇ હોય તેમણે પોતાના ડોક્ટરની સલાહ મુજબ પાણી પીતા રહેવું.શરીરમાં પાણીના યોગ્ય સ્તરને જાળવી રાખવા માટે છાશ, લીબું પાણી, લસ્સી, ઓઆરએસનું પાણી પીતા રહેવું જોઇએ. કપડા પણ સુતરાઉ, આછા રંગના અને હળવા જ પહેરવા.
બહાર જવાનું બને તેટલું ટાળો. ખૂબ આવશ્યક કામ માટે બહાર જતા હો તો તમારા માથાને કપડું, ટોપી કે છત્રીથી ઢાંકી લો. તીવ્ર ગરમીના કલાકો ખાસ કરીને બપોરના ૧૨ થી ૩ વાગ્યા વચ્ચે બહાર ન જવું પડે એ રીતે તમારૂ શિડયુલ ગોઠવો. તમારા ચહેરાને પણ કપડાંથી ઢાંકી રાખવો. ખુલ્લા પગે બહાર બિલકુલ ન નીકળવું. કોઇ પણ બાહ્ય સપાટીને બિનજરૂરી સ્પર્શ ન કરવો. બીજા વ્યક્તિથી ઓછામાં ઓછું એક મીટરનું સામાજિક અંતર જાળવી રાખો. સાબુથી નિયમિત હાથ ધોતા રહો. સાબુ ન હોય તો સેનેટાઇઝરનો પણ ઉપયોગ કરી શકાય. આંખો, નાક અને મ્હોંને બિનજરૂરી રીતે સ્પર્શ કરવો નહિ. ઘરના દરેક સભ્ય માટે અલાયદો વપરાશ માટેનો રૂમાલ-ટુવાલ રાખવો. આ સિવાય અન્ય સાવધાનીઓ તરીકે ઘરમાં ઠંડક રહે તે રીતની વ્યવસ્થા ગોઠવવી. પડદા, સનસેડ કે બારણાં બંધ રાખવા, રાતે બારીઓ ખુલ્લી રાખવી. બને ત્યાં સુધી નીચેના માળે જ રહેવું. વધુ પડતી ગરમીથી બચવા સમયાંતરે ઠંડા પાણીથી સ્નાન કરતા રહેવું.
તમને તાવ, ચક્કર આવવા, માથામાં દુખાવો, સતત ખાંસી આવતી હોય એવા લક્ષણો જણાય – તો તુરંત જ ડોકટરનો સંપર્ક સાધવો. રસોઇ પણ બપોરના સમયે ન કરવી. ઓછી ગરમી હોય ત્યારે જ રસોઇ બનાવવી. રસોઇ બનાવતી વખતે બારી દરવાજા ખુલ્લા રાખવા જેથી રસોઇઘરમાંથી ગરમ હવા બહાર જતી રહે. ચા, કોફી, ઠંડા પીણાંથી દૂર રહેવું કારણ કે તેનાથી શરીર ડીહાયડ્રેડ થઇ જાય છે. વધુ પ્રોટીનવાળા, ખૂબ તેલવાળા અને મસાલેદાર વાનગીઓ ન ખાવી. વાસી ખોરાક ન ખાવો.
કામના સ્થળે પણ માલિક અને કર્મચારીઓ ખાસ કાળજી લેવી જરૂરી છે. કામના સ્થળે ચોખ્ખાં અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવી. કર્મચારીઓએ સીધા સૂર્યપ્રકાશથી બચવું. ખેતમજૂરી કરતા, મનરેગા હેઠળ કામ કરતા શ્રમિકો, કે અન્ય મજૂરીકામ કરતા લોકોએ ધ્યાન રાખવું કે તેમનું માથું અને ચહેરો ઢંકાયેલો રહે. ખૂબ શારીરિક શ્રમવાળી કામગીરી દિવસના ઠંડા પહોરમાં જ કરવી. ખૂબ શ્રમ માંગી લેતી કામગીરીમાં સમયાંતરે વિરામ લેતા રહેવું અને આ વિરામનો સમય પણ વધારવો યોગ્ય રહેશે. ગર્ભવતી મહિલાઓ અને ગંભીર બિમારી ધરાવતા લોકોએ આ સમય દરમિયાન ખાસ કાળજી રાખવી. કોરોના સંક્રમણ બાબતના સરકારી નિર્દેશોનું ચોક્કસ પાલન કરવું. લંચ ડિનર સમયે ૧ થી ૧.૫ મીટરનું સામાજિક અંતર જાળવવું. ઘરે જઇને પહેલા સ્નાંન કરીને કપડાં બદલી લેવા.પોલીસ કે ટ્રાફીક કર્મીએ પણ આ સમય દરમ્યાન ખાસ કાળજી રાખવી જોઇએ. ઓનડયુટી હળવો પોષાક જ પહેરવો જોઇએ. વાહનોને ખાસ અંતર જાળવીને જ રોકવા જોઇએ. દસ્તાવેજની ચકાસણી વખતે તેના સ્પર્શથી બચવું. કોઇ પણ સપાટીને સ્પર્શ કરવો નહી. પાણી પીતાં રહો. રક્ષણાત્મક કવચ તરીકે સનશેડ, સનગ્લાસીસ કે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો. (સંકલન- રાજકુમાર જેઠવા, સહાયક માહિતી નિયામક, નવસારી)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500